Site icon Revoi.in

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

Social Share

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ દાદાને વિશેષ અન્નકુટ ધરાવવામાં આવશે.

સાળંગપુર હનુમાનજી મંદિરના પૂજય અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના જણાવ્યા મુજબ હાલની કોરોના મહામારીને વિશેષ લક્ષમાં લઇ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે શ્રી હનુમાન જયંતીના પાવન દિવસે મારૂતિ યજ્ઞ પણ કરવામાં આવશે. દર વર્ષે યોજાતા શ્રી હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજન, લોકડાયરો વિગેરે તમામ જાહેર કાર્યક્રમો બંધ રાખેલ છે. તેમજ સરકાર તરફથી આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા તથા ભોજનાલય બંધ રાખેલ છે. દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભકતજનોએ શ્રી હનુમાન જયંતી ઉત્સવના પવિત્ર-પાવન તેમજ દિવ્ય દર્શનનો અને અભિષેકવિધિ તથા અન્નકુટ આરતીનો લાભ ઘરે બેઠા યુટયુબ ચેનલ Salangpur Hanumanji-Officialના માઘ્યમથી લેવા અપિલ કરવામાં આવી છે.