Site icon Revoi.in

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

Social Share

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સિવિલ કેમ્પસમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં હાલ 484 દર્દીઓ સારવાર હેઠળ છે. અહીં 10 દિવસ અગાઉ 1100 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ ઉપરાંત યુ.એન.મેહતા હોસ્પિટલમાં 116, કિડની હોસ્પિટલમાં 126 અને કેન્સર હોસ્પિટલમાં 115 દર્દીઓની સારવાર કરાઈ રહી છે. આમ સિવિલ સંકુલમાં 800થી વધુ કોરોનાના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યાં છે. એટલું જ નહીં અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં અંદાજે 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. 1324 બેડ હાલ અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી જોવા મળ્યો છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં હાલ 3416 બેડમાંથી 2092 બેડ ફૂલ છે. આ ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલમાં 545 આઈસોલેશનના અને HDU ના 556 બેડ હાલ ખાલી છે.

આ ઉપરાંત અમદાવાદમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે. માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તાર 200 ની અંદર પહોંચ્યા છે. આમ શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 196 પર પહોંચી છે.