નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ તેનાથી દેશના અર્થતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે.
કોર્ટે એક વધુ ગંભીર સવાલ ઉઠાવ્યો કે જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ્સ બંધ હતી, ત્યારે અન્ય એરલાઈન્સે આ તકનો ફાયદો ઉઠાવીને ટિકિટના ભાવ કેમ વધાર્યા? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે આવી સ્થિતિમાં અન્ય એરલાઈન્સ દ્વારા ભાવ વધારવાને કેવી રીતે વાજબી ઠેરવી શકાય? સરકાર તરફથી કોર્ટને જાણ કરવામાં આવી હતી કે આ મામલે કાયદાકીય પ્રક્રિયા સંપૂર્ણ રીતે લાગુ છે અને ઈન્ડિગોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. કેન્દ્રે કોર્ટને માહિતી આપી કે એરલાઈને પોતાની ભૂલ બદલ માફી પણ માંગી છે અને પરિસ્થિતિ સુધારવાનું આશ્વાસન આપ્યું છે.
રોજ લગભગ 2300 ફ્લાઇટ્સનું સંચાલન કરતી અને સ્થાનિક એવિએશન માર્કેટમાં 60 ટકાથી વધુ હિસ્સો ધરાવતી ઈન્ડિગો એરલાઈન તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ વર્તમાન સંકટના કારણે એરલાઇનની માર્કેટ કેપમાં લગભગ રૂ. 21 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે. આ સંકટના નવમા દિવસે પણ મુસાફરોની હાલાકી દૂર થઈ નથી. દેશના ત્રણ મોટા એરપોર્ટ દિલ્હી, અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબને કારણે મુસાફરોની મુશ્કેલીઓ સતત વધી રહી છે.

