Site icon Revoi.in

દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

Social Share

નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2025 : Pollution દિલ્હી અને NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી જતાં સ્થિતિ વણસી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 500ને પાર કરી જતાં દિલ્હી અને નોઈડામાં GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે. ઝેરી હવામાંથી બચવા માટે હવે લોકો પાસે ‘એર પ્યુરિફાયર’ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય તેમ જણાય છે. છેલ્લા બે મહિનામાં એર પ્યુરિફાયરના વેચાણમાં 5 ગણો તોતિંગ વધારો નોંધાયો છે.

દિલ્હી હાઈકોર્ટમાં વકીલ કપિલ મદન દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ એ એક ઈમરજન્સી કટોકટી છે, તેથી એર પ્યુરિફાયરને ‘લક્ઝરી આઈટમ’ ગણી શકાય નહીં. તેને ‘મેડિકલ ડિવાઈસ’ જાહેર કરી તેના પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ જેથી સામાન્ય માણસ પણ તે ખરીદી શકે.

દિલ્હીના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષે જે દુકાને આખા વર્ષમાં 400-500 પ્યુરિફાયર વેચાતા હતા, ત્યાં છેલ્લા બે-ત્રણ મહિનામાં જ 2200થી વધુ પ્યુરિફાયર વેચાઈ ચૂક્યા છે. માંગ એટલી વધી ગઈ છે કે ઘણી કંપનીઓ પાસે સ્ટોક ખાલી થઈ ગયો છે અને ગ્રાહકોએ વેઈટિંગમાં રહેવું પડે છે. બજારમાં રૂ. 5,000 થી લઈને રૂ. 1.25 લાખ સુધીના એર પ્યુરિફાયર ઉપલબ્ધ છે.

માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓમાં પણ એર પ્યુરિફાયર લગાવવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકાર પણ સરકારી શાળાઓમાં 10,000 એર પ્યુરિફાયર લગાવવાની તૈયારી કરી રહી છે. લોકોનું કહેવું છે કે ઘરના દરવાજા ખોલવાથી પણ પ્રદૂષિત હવા અંદર આવે છે, જેના કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે.

ચૈમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના ચેરમેન બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે, “એર પ્યુરિફાયર અને HEPA ફિલ્ટર પર હાલમાં 18% GST લાગે છે જે ખૂબ વધારે છે. અમે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને GST ઘટાડવા વિનંતી કરી છે, જેથી સામાન્ય લોકો પર આર્થિક બોજ ઓછો થાય.”

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: ચટગાંવમાં ઘરો સળગાવ્યા

Exit mobile version