Site icon Revoi.in

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી પરીક્ષાનો સમય તથા બની શકે તો તારીખમાં પણ ફેરફાર કરવાની વિદ્યાર્થી સંગઠનો માગ કરી રહ્યા છે. વિદ્યાર્થી સેનાએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપીને  રજૂઆત પણ કરી છે. જોકે હજુ યુનિવર્સિટીના સત્તાધિશોએ પરીક્ષાના સમય કે તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યારે ગરમી 44 ડિગ્રીને વટાવી ગઈ છે, ત્યારે આગામી 10મી મેથી લૉ અને વિવિધ વિધાશાખાની પરીક્ષા શરૂ થઈ રહી છે.  ત્યારે આ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવા અથવા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા વિદ્યાર્થી સેનાએ માંગણી કરી છે. વિદ્યાર્થી સેનાએ કુલપતિને આવેદન આપીને એવી રજુઆત કરી હતી કે, રાજ્યમાં અત્યારે ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે. હજુ હિટવેવ રહેશે તેવી આગાહી છે. ત્યારે આ 10 મેથી શરૂ થઈ રહેલી પરીક્ષાનો સમય બપોરનો છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેથી 10 મેથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવે અથવા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી વિદ્યાર્થી સેનાએ માંગણી કરી છે. વિદ્યાર્થી સેનાએ આ અંગે પરીક્ષા નિયામરને પણ રજુઆત કરી હતી. કુલપતિએ આ અંગે સહાનુભૂતિથી વિચારવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ કોઈ નિર્ણય લીધો નથી.