Site icon Revoi.in

મહેસાણામાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી 31મી માર્ચ સુધી ચાલુ રાખવા માગ

Social Share

મહેસાણાઃ જિલ્લામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી 15 મી માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાતા  બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. જો કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેવી શંકા વ્યક્ત કરી છે ખેડૂતોના હિતમાં આગામી 31મી માર્ચ સુધી કેનાલોમાં નર્મદા નું પાણી છોડવમાં આવે તેવી રજુઆત સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

મહેસાણા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલ માંથી પસાર થતી નાની મોટી માઇનોર સહિતની કેનાલો મારફત સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ કેનાલોની મરામત તેમજ સફાઈ કામગીરી હાથ ધરવાની થતી હોય 15મી માર્ચથી નર્મદા આધારિત સિંચાઈ માટે મળતું પાણી બંધ કરવાની સંબંધિત વિભાગે જાહેરાત કરી છે જેના કરણે હજારો ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણે રવિ સિઝન બાદ ખેડુતો ઉનાળાના પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા ખેડુતોનો રવિ સીઝનનો પાક હજુ ઊભો છે અને એકાદ-બે પાણની જરૂરીયાત છે. આથી ખેડુતોએ 31મી માર્ચ સુધી નર્મદાની કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા માગણી કરી હતી. તેમજ સ્થાનિક ધારાસભ્યને પણ રજુઆત કરી હતી.

રાજ્ય સરકારે 15મી માર્ચ બાદ સિંચાઈનું પાણી નહીં મળે તેવી જાહેરાત કરતા આ મામલે મહેસાણા જિલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ભરતજી ઠાકોરે વાંધો ઉઠાવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું છે કે જો આમ કરવામાં આવશે તો બહુચરાજી તેમજ ચાણસ્મા પંથકમાં પાણી વિના સેંકડો ખેડૂતો ના પાક નિષ્ફળ જાય તેવી સંભાવના છે, જેથી 31 માર્ચ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે. (file photo)

Exit mobile version