Site icon Revoi.in

સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પદયાત્રી તરીકે સહભાગી થયા

Sardar unity march, Vadodara
Social Share

વડોદરા, 1 ડિસેમ્બર, 2025ઃ Sardar @150 Unity March સરદાર પટેલની 150મી જયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગમાં એકતા માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે પહેલી ડિસેમ્બરે સોમવારે વડોદરા જિલ્લામાં એક મહત્ત્વની પદયાત્રાનું આયોજન થયું હતું જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડભોઈના મેનપુરા ખાતે આયોજિત ‘સરદાર સભા’ માં જણાવ્યું હતું કે, આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર સાહેબના દૂરંદેશી વિચારો, દેશની એકતા માટેના તેમના મહત્ત્વના નિર્ણયો અને દેશને એક રાખવામાં તેમના મહત્ત્વના ફાળાને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો છે. આ ઐતિહાસિક યાત્રાઓનું આયોજન કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના દરેક જિલ્લાઓ, વિધાનસભા અને લોકસભાના ક્ષેત્રોમાં કરવામાં આવ્યું છે, જેથી સરદાર સાહેબના વિચારો આ દેશના યુવાનો સુધી પહોંચી શકે.

Deputy Chief Minister Harsh Sanghvi ઉપ મુખ્યમંત્રીએ દેશના ઇતિહાસ અંગે જણાવ્યું કે, સરદાર સાહેબ દ્વારા દેશ માટે કરવામાં આવેલાં કામો અને આપેલા યોગદાનોને ષડયંત્રના ભાગરૂપે રૂપે દબાવી દેવામાં આવ્યા હતા. દેશના નાગરિકોને ક્યારેય એવો અંદાજ ન આવી શકે કે દેશને એકત્ર રાખવા માટે સરદાર સાહેબની દૂરંદેશીના અને તેમના એક પછી એક કડક નિર્ણયોના પરિણામે આજે આપણે સૌ એક છીએ. સરદાર સાહેબના વિચારો, ઉપલબ્ધિઓ અને નિર્ણયો દેશના યુવાનો સુધી ન પહોંચાડવા માટેનું ષડયંત્ર વર્ષો વર્ષ સુધી ચલાવવામાં આવ્યું હતું. સરદાર સાહેબે સોમનાથ જઈને પ્રતિજ્ઞા કરી હતી કે આ આપણું સોમનાથનું મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરીને જ જંપીશ. આજે વર્તમાનમાં જે સોમનાથનું મંદિર છે એ સરદાર સાહેબના આ સંકલ્પનું પરિણામ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડોદરા જિલ્લાના મેનપૂરા ખાતે પહોંચેલી સરદાર@૧૫૦ એકતા પદયાત્રા દરમિયાન યોજાયેલી સરદાર ગાથામાં ‘કાશ્મીર, હૈદરાબાદ અને સરદાર’ વિષય ઉપર પ્રકાશ પાડતા જમ્મ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું કે, જો તે સમયે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સરદાર પટેલ પાસે હોત, તો કદાચ છ દાયકાથી પણ વધુ સમય સુધી આ સમસ્યા બની ન રહેતી જે ત્યાંના લોકોએ વેઠી છે. સરદાર પટેલ મૂળભૂત રીતે કર્મઠ વ્યક્તિ હતા અને તેમના જીવન દર્શનને ટાંકતા તેમણે કહ્યું કે ‘ઇતિહાસ લખવામાં સમય બરબાદ કરવાને બદલે, તેનું નિર્માણ કેમ ન કરવું?’. સરદાર સાહેબે શરૂઆતથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે, “અમે કાશ્મીરની એક ઇંચ ભૂમિ પણ કોઈને નહીં આપીએ”.

શ્રી સિંહાએ સરદાર પટેલને ભારતનો આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પરાક્રમ અને પુરુષાર્થ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આઝાદી પછી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું ક્ષણે-ક્ષણ સમર્પિત કર્યું હતું. સરદાર સાહેબે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ, સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને કુશળ સંગઠન શક્તિના બળ પર ૫૬૨ જેટલી રિયાસતોનું ભારતમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું. રાજ્યપાલે સ્પષ્ટપણે જણાવ્યું કે જો સરદાર પટેલ ન હોત, તો કદાચ ભારતનો ભૂગોળ ખંડિત થઈ ગયો હોત.

એકતા યાત્રાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું કે, માંડવિયા સરદાર સાહેબના વિચારો ગામેગામ પહોંચે અને લોકોના જીવનમાં બદલાવ લાવે તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો લઇ રહ્યા હતા અને દેશભરમાંથી પધારેલા યુવા સાથીઓને વ્યવસ્થા પૂરી પાડવા તથા તેમને સમાજ માટે યોગદાન આપવા પ્રેરિત કરવા માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી સતત આ પદયાત્રામાં જોડાયેલા છે.

આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ‘સરદાર @ 150’ અંતર્ગત વડાપ્રધાનના પ્રયાસથી સરદાર સાહેબે કરેલા અનેક કામોનો ઇતિહાસ આજે આપણી નજર સામે છે, જે અગાઉ ભુલાવી દેવામાં આવ્યા હતા. સરદાર સાહેબનું સમગ્ર જીવન આઝાદીની લડાઈમાં નેતૃત્વ કરવામાં સમર્પિત થયું હતું. સરદાર સાહેબ એવા મહાપુરુષ હતા જેમણે ધીકતી કમાણી છોડીને, સમૃદ્ધિનું પ્રતીક ગણાતી ઇંગ્લેન્ડની શિક્ષણની ડિગ્રી અને સફળ પ્રેક્ટિસનો ત્યાગ કરીને, જેલ જવાનો રસ્તો પસંદ કર્યો હતો, જે ખૂબ મોટી વાત હતી. વડાપ્રધાન થવા માટેના તમામ ગુણો સરદાર સાહેબમાં હોવા છતાં તેમને વડાપ્રધાન ન બનાવાયા છતાં તેમણે જરાય મનની અંદર કડવાશ રાખ્યા વગર દેશે આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા વર્ણવી હતી.

કાયમી પદયાત્રી તરીકે જોડાયેલા હિમાચલ અને છત્તીસગઢના યુવાનોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ, અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, ત્રિકમભાઇ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, અશ્વિનભાઇ વકીલ, અગ્રણી રસિકભાઇ પ્રજાપતિ, કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ

Exit mobile version