Site icon Revoi.in

UNWOનો શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ કચ્છના ધોરડોને મળ્યો, PM મોદીએ કરી પ્રશંસા

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામની પ્રશંસા કરી હતી. ધોરડોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા તેમણે 2009 અને 2015માં ગામની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કચ્છમાં ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય માટે ઉજવવામાં આવે છે તે જોઈને ખૂબ જ રોમાંચિત થઈ ગયો છું. આ સન્માન માત્ર ભારતીય પર્યટનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોના સમર્પણને પણ પ્રદર્શિત કરે છે. ધોરડો ચમકવાનું ચાલુ રાખે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષિત કરે! હું 2009 અને 2015માં ધોરડોની મારી મુલાકાતની કેટલીક યાદો શેર કરી રહ્યો છું. હું તમને બધાને ધોરડોની તમારી અગાઉની મુલાકાતોમાંથી તમારી યાદો શેર કરવા માટે પણ આમંત્રણ આપું છું. આનાથી વધુ લોકોને મુલાકાત માટે પ્રેરણા મળશે. અને, #AmazingDhordo ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.”

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્ર વિકાસ થયો છે. રાજ્યના કચ્છમાં સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર અભ્યારણ્ય સહિતના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં કચ્છમાં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લે છે.