Site icon Revoi.in

PM-કિસાન યોજના હેઠળ 4 લાખ કરોડથી વધુનું વિતરણ: કેન્દ્ર સરકાર

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોને ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. આ યોજના ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સરકારની મુખ્ય પહેલ રહી છે. તેમ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ નાણાકીય સહાય PM-કિસાન પોર્ટલ પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલા ચકાસાયેલ ડેટાના આધારે લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી કે સહાય સીધી લાભ ટ્રાન્સફર મોડ દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટાચારની શક્યતાઓ લગભગ નહિવત્ થઈ ગઈ છે.

શિવરાજ સિંહ ચૌહાણે ઉમેર્યું હતું કે, “PM-કિસાન યોજના હેઠળ કોઈ ભૌતિક કે નાણાકીય લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું નથી.” આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા તમામ જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની આવક સહાય આપવામાં આવે છે, જે રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ સહાયનો હેતુ ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને ટેકો આપવાનો અને કૃષિ સંબંધિત ખર્ચાઓને આવરી લેવામાં મદદ કરવાનો છે.

વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના ખેડૂતોના જીવનમાં મોટો બદલાવ લાવનારી સાબિત થઈ છે. DBT મોડ દ્વારા સીધી સહાય મળવાથી ખેડૂતોને બીજ, ખાતર અને અન્ય કૃષિ સામગ્રી ખરીદવામાં સરળતા રહે છે. ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ ભારતમાં નાના અને સીમાંત ખેડૂતોની મોટી સંખ્યા અને તેમને મળેલા આર્થિક ટેકાના પ્રમાણને દર્શાવે છે. મંત્રીએ લોકસભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોજના દેશના કૃષિ ક્ષેત્રની સદ્ધરતા વધારવામાં અને ખેડૂતોને સશક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.

Exit mobile version