Site icon Revoi.in

ચિલ્ડ્રન યુનિ.માં પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ હાજર રહેવાના આદેશ સામે અસંતોષ

Social Share

ગાંધીનગરઃ ચિલ્ડ્રન યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. સત્તાધિશોના નિર્ણયોને કારણે વિવાદ થતો હોય છે. હાલ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાશાખાઓની પરીક્ષાઓ ચાલી રહી છે. એટલે પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને હાજરી માટે આવવાની ફરજ પાડીને લાયબ્રેરી કે ખાલી વર્ગખંડમાં બેસાડી રખાતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જમાવ્યા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોય તેમ છતાં પીજી અને પીજી ડિપ્લોમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાયબ્રેરી અને ખાલી વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવાનો આદેશ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ  આદેશ કર્યો છે. ઉપરાંત બાયોમેટ્રિક હાજરી દરરોજ પૂરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના આવા આદેશને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓછી હાજરીના કારણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની પરીક્ષામાં નહી બેસવા દેવાનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યાં તો ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને હાજર રહેવાના કરેલા આદેશને પગલે વિદ્યાર્થીઓમાં નારાજગી ઊભી થઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે. જ્યારે અમુક વિદ્યાર્થીઓ પીજીમાં રહેતા હોય છે. આવા વિદ્યાર્થીઓને ચિલ્ડ્રન યુનિવર્સિટીના આદેશથી મુસ્કેલી પડી રહી છે.  યુનિના સત્તાધિશોએ પરીક્ષા ચાલતી હોય તે દિવસોમાં રોજે રોજ સમય પત્રક મુજબ પીજી અને પીજી ડિપ્લોમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં હાજર રહેવા જણાવ્યું છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ચિલ્ડ્રન યુનિવર્સિટીની લાયબ્રેરી અને ખાલી વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવાનો રહેશે. ઉપરાંત દરરોજ આવીને બાયો મેટ્રિક હાજરી પૂરવાની રહેશે. જોકે આવો આદેશ ચિલ્ડ્રન યુનિવર્સિટીના સેન્ટર ઓફ એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટરે આદેશ કર્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ. આવો આદેશ કરવા પાછળ વિદ્યાર્થીઓની હાજરીને સત્ર મંજૂરીના દિવસોમાં ગણવા માટે ચર્ચા વિચારણ અને નિર્ણય લેવા માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં આગામી સમયમાં રજૂ કરાશે તેવો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા આદેશને કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.