Site icon Revoi.in

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના સમયગાળામાં એસટીને લગભગ 7 કરોડથી વધારેની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં એસટીને આવક થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે દિવાળીના તહેવારોમાં લગભગ પાંચ કરોડની આવક થઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું અને માર્ગો ઉપર 2300થી વધારે બસો દોડાવવામાં આવી હતી. જેમ મુસાફરોનો ધસારો વધે તેમ વધારાની બસો દોડાવવા માટે તમામ ડિવિઝનને સૂચના આપવામાં આવી હતી. 16 ડિવિઝનમાંથી કુલ 8,304 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે 7.50 કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં સૌથી વધારે બસો અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં દોડાવવામાં આવી હતી. સુરતમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો વસવાટ કરે છે અને સૌરાષ્ટ્રના આ રત્ન કલાકારો દિવાળીના તહેવારમાં પોતાના ગામ જાય છે એટલે સુરતથી રાજ્યના વિવિધ શહેરો અને નગરોમાં વધારે બસ દોડાવવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે લગભગ 2 કરોડ જેટલી વધારે આવક થઈ છે.

(Photo-file)