Site icon Revoi.in

ગુજરાતઃ એસટી નિગમને દિવાળી ફળી, તહેવારોમાં 48 કરોડથી વધારેની આવક

Social Share

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારોમાં લોકોને પોતાના ગામ જવા માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેથી દિવાળીના તહેવારોમાં એસટીની બસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરમિયાન દિવાળીના તહેવારોમાં એસટી નિગમને કરોડોની આવક થઈ છે. એસટીને દિવાળીના તહેવારોમાં રૂ. 48.13 કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષે એસટી નિગમમાં ગત વર્ષની સરખામણીએ વધારે પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. એટલું જ નહીં એક દિવસમાં લાખો મુસાફરોએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના તહેવારોમાં શહેરી વિસ્તારમાં રોજગારી અર્થે આવેલા લોકો મોટી સંખ્યામાં પોતાના ગામ ગયા હતા. જેથી એસટી અને રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને વધારાની બે હજાર જેટલી બસ દોડવામાં આવી હતી. તેમજ દિવાળીના તહેવારોમાં એસટી નિગમ દ્વારા આઠ હજાર બસનું સંચાલન કર્યું હતું. જેથી એસટીને દિવાળીના પર્વમાં રૂ. 48.13 કરોડની આવક થઈ છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધારાની 30 ટકા જેટલી બસો દોડવામાં આવી છે. દિવાળીના પર્વમાં 3.12 લાખથી વધારે પ્રવાસીઓએ વિશેષ બસ સેવાનો લાભ લીધો હતો. વધારાની બસ દોડવવાથી એસટી નિગમને રૂ. 7.41 કરોડની આવક થઈ હતી.

દિવાળીના પર્વ ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓએ ઓનલાઈન ટીકીટનું બુકીંગ કરાવ્યું હતું. એક જ દિવસમાં 1.22 લાખ જેટલા પ્રવાસીઓએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. આમ સમગ્ર દેશમાં એક દિવસમાં બસની મુસાફરી માટે સૌથી વધારે ઓનલાઈન બુકીંગનો રેકોર્ડ સર્જાયો છે.