Site icon Revoi.in

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

Social Share

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત એક રાષ્ટ્ર નથી, પરંતુ એક ઉપખંડ છે.

એ. રાજાનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે 4 માર્ચે સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના સનાતન વિરોધી નિવેદન પર ઠપકો આપતા કહ્યુ હતુ કે તેમણે પોતાના નિવેદનના પરિણામની ખબર હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો અને હવે તમે રાહત માંગી રહ્યા છો. તમે આમ આદમી નથી, રાજનેતા છો.

ડીએમકે નેતા એ. રાજા વિવાદીત નિવેદનબાજીવાળા વીડિયોમાં એમ કહેતા દેખાય છે કે જો તમે કહેશો કે આ તમારા ઈશ્વર છે અને ભારતમાતાની જય તો અમે તે ઈશ્વર અને ભારતમાતાને ક્યારેય સ્વીકારીશું નહીં. કહી દો તેમને અમે બધાં રામના શત્રુ છીએ. તેમણે કહ્યુ છે કે મને રામાયણ અને ભગવાન રામ પર વિશ્વાસ નથી. એ. રાજાએ ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરતા જય શ્રીરામના સૂત્રને ઘૃણાસ્પદ ગણાવ્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજા વિવાદીત નિવેદનમાં કહી રહ્યા છે કે અહીં તમિલ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઓડિશા એક રાષ્ટ્ર, એક ભાષા અને એક દેશ છે. આ તમામ રાષ્ટ્ર મળીને ભારત બને છે, ભારત દેશ નથી પણ એક ઉપખંડ છે.

એ. રાજાએ કહ્યુ છે કે ત્યાં ઘણી બધી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. જો તમે તમિલનાડુ આવો છો, તો ત્યાંની એક સંસ્કૃતિ છે. કેરળમાં એક અન્ય સંસ્કૃતિ છે. દિલ્હીમાં એક અન્ય સંસ્કૃતિ છે. ઓડિશામાં એક અન્ય સંસ્કૃતિ છે.

એ. રાજાએ કહ્યુ છે કે આવી રીતે કાશ્મીરમાં પણ એક સંસ્કૃતિ છે. તેનો સ્વીકાર કરો. મણિપુરમાં લોકો શ્વાનનું માંસ ખાય છે, તે વાતનો સ્વીકાર કરો. જો ઘણાં સમુદાય ગોમાંસ ખાય છે, તો તમને શું સમસ્યા છે? શું તેમણે તમને ખાવા માટે કહ્યુ? માટે અનેકતામાં એકતા થયા બાદ પણ આપણી વચ્ચે મતભેદ છે. તેને સ્વીકારો.