Site icon Revoi.in

ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનોમાં અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે મ્યુનિ.નેતાઓને આપી શીખ

Social Share

સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ દ્વારા રાજ્યની તમામ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓની બેઠક સુરતની એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ શાસિત આઠેય મ્યુનિ. કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમીટીઓના ચેરમેનો તેમજ અન્ય કમિટીઓના ચેરમેનો સહિત પદાધિરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટિલે એવી શીખામણ આપી હતી કે, મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નરથી લઈને અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે આપેલી શીખામણને લીધે મ્યુનિમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કે, કેમ આવી વાત કહેવી પડી, શું અધિકારીઓ પદાધિકારીઓનું માનતા નથી કે શું ?

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતની એક પોશ હોટલમાં રાજ્યના આઠ મહાનગરો સંબંધિત એક બેઠકનું તાબડતોબ આયોજન કર્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ મહાનગરોના પ્રતિનિધિ તરીકે સંબંધિત ધારાસભ્યો, મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષીય સંગઠનના નેતાઓ સહિતના પદાધિકારીઓને બોલાવાયા હતા. આ દરમિયાન પાટીલે તમામને સીધી લીટીમાં સૂચના આપી હતી. કે શહેરોની રાજકીય પાંખ પર મ્યુનિસિપલ કમિશનર સહિતના કોઇપણ અધિકારીઓને હાવિ થવા ન દેશો. શહેરોમાં અધિકારી રાજ નિયંત્રણમાં આવે તે માટે પાટીલે આ બેઠક બોલાવી હતી,  પાટીલે ઘણાં ઉદાહરણો સાથે જણાવ્યું કે કોઇ પણ સ્થિતિમાં મહાનગરોમાં ભાજપના નેતાઓની પકડ ઢીલી હોવી ન જોઇએ. અધિકારીઓને કોઇ ઠરાવ કે નિર્ણય કરવાના હોય તો પણ તે મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ચૂંટાયેલા નેતાની સહી વગર કે મંજૂરી વગર પસાર થવા ન જોઇએ. આડેધડ રીતે અધિકારીઓ જો ઠરાવ કે નિર્ણય કરે તો તેના પર ભાજપ નેતાઓનું નિયંત્રણ હોવું જોઇએ.

પાટીલે ઉમેર્યું હતું કે, મોટાભાગની મહાનગર પાલિકાઓમાં ભાજપના જ મેયરો અને સ્થાયી સમિતિના ચેરમેન વચ્ચે હુંસાતુંસી કરતા દુશ્મનાવટ જેવો માહોલ છે. આ કારણે થતાં ઝઘડાંથી પક્ષની આબરુ ખરડાય છે. આવી ગૂંચ ઉકેલવા માટે તેમણે મહાનગરોને લગતી મોટી સત્તા શહેર પ્રમુખના હાથમાં સોપી છે. અર્થાત હવે શહેરોની મોટાભાગની બાબતો પર શહેર પ્રમુખોની પકડ રહેશે.