હૈદરાબાદ, 5 ફેબ્રુઆરી 2026: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધી નશામાં ગાડી ચલાવનારાઓ માત્ર દંડ ભરીને છૂટી જતા હતા, પરંતુ હવે પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેનાથી ગુનેગારોની નોકરી પર પણ તલવાર લટકશે. શહેર પોલીસ હવે નશામાં પકડાયેલા લોકોની વિગતો સીધી તેમની કંપની કે માલિકને મોકલશે, જેના કારણે તેમને નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે.
-
માત્ર દંડથી કામ નહીં ચાલે, હવે સીધો એક્શન
હૈદરાબાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો સતત વધી રહ્યા છે, જેને કારણે ગંભીર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ટ્રાફિક અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર આકરો દંડ વસૂલવાથી લોકોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. આથી, સામાજિક અને વ્યાવસાયિક સ્તરે ડર પેદા કરવા માટે હવે ગુનેગારોના એમ્પ્લોયર (માલિક) ને જાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઈવમાં અનેક કર્મચારીઓ નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાયા હતા. જેમાં મુખ્યત્વે IT સેક્ટરના કર્મચારીઓ, ખાનગી કંપનીના અધિકારીઓ તેમજ ડિલિવરી બોય્ઝ અને અન્ય કામદારોનો સમાવેશ થતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, કોર્ટમાં કેસ દાખલ કરવાની સાથે જે-તે વ્યક્તિ જે કંપનીમાં કામ કરે છે તેના મેનેજમેન્ટને પણ પત્ર લખવામાં આવી રહ્યો છે. ઘણી કંપનીઓની પોલિસી મુજબ, જો કોઈ કર્મચારી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય તો તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકી શકાય છે.
ટ્રાફિક પોલીસે ચેતવણી આપી છે કે આ અભિયાન માત્ર તહેવારો કે વીકેન્ડ પૂરતું મર્યાદિત નથી. નિયમો તોડનારા સામે ભારે દંડ અને કોર્ટના ધક્કા, ડ્રાઈવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરવાની કાર્યવાહી, ગંભીર કિસ્સામાં જેલની સજા તથા કંપનીને ફરિયાદ કરી નોકરીમાંથી બરતરફીની ભલામણ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “લોકોએ સમજવું પડશે કે નશામાં ગાડી ચલાવવી એ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ રસ્તે ચાલતા નિર્દોષ લોકો માટે પણ જીવલેણ છે. તમારી એક ભૂલ માત્ર તમારી જાન જ નહીં, પરંતુ તમારી કારકિર્દી અને પરિવારનું ભવિષ્ય પણ જોખમમાં મૂકી શકે છે.”
આ પણ વાંચોઃ ભારત કોઈ પણ સપ્લાયર પાસેથી ઓઈલ ખરીદવા માટે આઝાદઃ રશિયા

