Site icon Revoi.in

દ્વારકા: દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે કરાયેલી કાર્યવાહીનું CM પટેલે નિરીક્ષણ કર્યુ

Social Share

દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ મંદિર વિસ્તારની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી-નાવદ્રા-ભોગાત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં દૂર કરાયેલ રૂ. ૬.૧૩ કરોડથી વધુના મૂલ્યની ૧૪ લાખ ચોરસ ફૂટથી વધુની જમીન ખુલી કરવા બદલ સમગ્ર દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રની સરાહના કરી હતી. પોલીસ અધિક્ષક નીતિશ પાંડે તથા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ સંબંધિત વિસ્તારના નકશાઓ દ્વારા મુખ્યમંત્રી ને ગેરકાયદેસર દબાણો અંગે કરાયેલા ડિમોલિશનની સવિસ્તાર માહિતી પૂરી પાડી હતી.

ભીડભંજન ભૂવનેશ્વર મંદિર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા અને આસપાસના વિસ્તારોમાં ડિમોલિશ કરાયેલા વિવિધ બાંધકામોનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આ વિસ્તારની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતો બંદોબસ્ત રાખવા અને તમામ નાની નાની હિલચાલની સતર્કતાપૂર્વક નોંધ રાખવા ઉપસ્થિત અધિકારીઓને સ્થળ પર જ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ હર્ષદ વિસ્તારના દરિયાઈ વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામમાંશ્રી હરસિદ્ધિ માતાના દર્શન કરી માતા સમક્ષ ગુજરાતની પ્રજાના લોક કલ્યાણની કામના કરી હતી તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે થયેલી સ્તુતિ દ્વારા માતાજીની આરાધના કરી હતી.

આ મંદિરના મુખ્ય પૂજારી અલ્પેશભાઈ પંડ્યાના જણાવ્યાનુસાર હર્ષદના દરિયાકિનારા નજીક કોયલા ડુંગરની તળેટીમાં આવેલ આ શ્રી હરસિધ્ધિ મંદિર એક હજાર વર્ષ પુરાણું મંદિર છે. તેમજ કોયલા ડુંગર ઉપર આવેલ મહમદ ગજનીએ ખંડિત કરેલ શિવ મંદિર પાંચ હજાર વર્ષ પુરાણું છે. આ મંદિરએ સિદ્ધપીઠ છે અને ઉજ્જૈન માતા શ્રીહરસિધ્ધિ બિરાજે છે તે શક્તિપીઠ છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યજી આ હરસિદ્ધિ માતાના પરમ ઉપાસક હતા. ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ આજ શ્રી હરસિધ્ધિ માતા છે. હરસિધ્ધિ માતાનો બાવન શક્તિપીઠમાં સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશ એ કોયલા ડુંગર ઉપર માતા હરસિધ્ધિની ઉપાસના કરી હતી.