Site icon Revoi.in

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

Social Share

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના સંદર્ભમાં વિવિધ શહેરોમાં સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી છે, જેનો એક ભાગ વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેપ્રિકોર્નિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર વિજય કુમાર શુક્લા અને સંજય ગોસ્વામી અને સંબંધિત કંપનીઓ જેવી કંપનીઓના પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે લક્ષ્મીટોન મેરીટાઇમ, હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ, રાજનંદિની મેટલ્સ લિમિટેડ, સ્ટુઅર્ટ એલોય્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાગ્યનગર લિમિટેડ, વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, વશિષ્ઠ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને તેમના ડિરેક્ટર્સ/પાર્ટનર્સ સંદીપ ગર્ગ, વિનોદ કેડિયા અને અન્યના પરિસરની તપાસ કરવામાં આવી હતી.

જોકે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા અને કુરુક્ષેત્ર, હરિયાણામાં વિવિધ સ્થળોએ આ સર્ચ ક્યારે હાથ ધરવામાં આવ્યું હતું તે EDએ જણાવ્યું નથી. સર્ચ દરમિયાન 2.54 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી, જેનો એક ભાગ ‘વોશિંગ મશીન’માં છુપાવીને રાખવામાં આવ્યો હતો. એજન્સીએ એ પણ ઉલ્લેખ કર્યો નથી કે વોશિંગ મશીનમાં રોકડ ક્યાં રાખવામાં આવી હતી જે જપ્ત કરવામાં આવી છે. EDએ કહ્યું કે કુલ 47 બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.