નવી દિલ્હી, 2 માર્ચ 2026: દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારના પ્લેટફોર્મ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ , 2002 હેઠળ તપાસ કરી રહેલી ઈડીએ આજે આ કેસમાં આશરે રૂ. 18 કરોડની સ્થાવર અને જંગમ મિલકતોને કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ સંપત્તિનું મૂલ્ય વધીને રૂ. 37.23 કરોડ પર પહોંચ્યું છે.
ઈડીના ખુલાસા મુજબ, આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારત સરકારની કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સંચાલિત થઈ રહ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, સટ્ટાબાજીના આકાઓ અનેક નકલી વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા માસૂમ લોકોને લલચાવી જુગારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા. આ પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન વિદેશી ખાતાઓ અને હવાલા મારફતે કરવામાં આવતું હોવાની આશંકા છે.
ઓનલાઈન છેતરપિંડીના વધતા વ્યાપને જોતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સામાન્ય જનતા માટે વિશેષ એડવાઈઝરી જારી કરી છે. અજ્ઞાત પેમેન્ટ લિંક્સ અથવા શંકાસ્પદ યુપીઆઈ આઈડી પર ક્યારેય નાણાં ટ્રાન્સફર ન કરવા. આવા કોઈ પણ અજાણ્યા પ્લેટફોર્મ પર પોતાની અંગત વિગતો કે બેંકિંગ ડેટા શેર ન કરવા. તેમજ રાતોરાત અમીર બનવાની લાલચ આપતી સટ્ટાબાજીની એપથી સાવધ રહેવું જરૂરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ED હાલ આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો અને અન્ય સહયોગીઓની તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ અને જપ્તીની કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે. ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા દેશના નાણાકીય માળખાને નુકસાન પહોંચાડતા તત્વો સામે કેન્દ્રીય એજન્સીએ લાલ આંખ કરી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં જામનગર રોડ પર આવેલી 10 સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

