Site icon Revoi.in

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાનમાં વિસ્ફોટો

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે એકસાથે વોટિંગ થયું  છે. સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું. મોટી રાત્રિ સુધીમાં પરિણામ સામે આવવાની શક્યતા છે. ચૂંટણી પંચે સત્તાવાર ધોરણે 9 ફેબ્રુઆરીએ પરિણામોની ઘોષણા કરી છે.

આર્થિક તંગી છતાં ગત 4 ચૂંટણીઓની સરખામણીમાં આ વખતની ચૂંટણી સૌથી વધારે ખર્ચાળ રહી છે. લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

બલૂચિસ્તાનના ખરાનમાં લેવી ફોર્સના વ્હીકલ પાસે વિસ્ફોટ થયા બાદ એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું અને 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

બલૂચિસ્તાનના લજ્જા શહેરમાં થયેલા વિસ્ફોટમાં 2 સુરક્ષાકર્મીઓના મોત નીપજ્યા અને 9 અન્ય ઘાયલ થયા છે. પાકિસ્તાનની લેવીસ પેરામિલિટ્રી ફોર્સે આની પુષ્ટિ કરી છે. ક્વેટાની બર્મા હોટલ પાસે પણ વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો છે.

પંજાબના કોટ અડ્ડૂ જિલ્લામાં પીએમએલ-એનના ઉમેદવાર અમજદ અબ્બાસ ચંદિયા અને અપક્ષ ઉમેદવાર મુર્તજા રહીમ ખારના સમર્થકોની વચ્ચે સર્જાતા 15 લોકો ઘાયલ થયા હતા.

એનએ-59 ચકવાર બેઠક પર વોટિંગ દરમિયાન બે પાર્ટીના કાર્યકર્તાઓમાં ઘર્ષણ થતાં ગોળીબાર થયો અને તેમાં ચાર લોકો ઘાયલ થયા છે. જેને કારણે કામચલાઉ ધોરણે પોલિંગ સ્ટેશન પર વોટંગ રોકવામાં આવ્યું હતું.

બલૂચિસ્તાનના મકરાન ડિવિઝનના કમિશનર સઈદ અહમદ ઉમરાનીએ કહ્યુ છે કે બલૂચિસ્તાનના ઘણાં વિસ્તારોમાં ગ્રેનેડ એટેક થયા છે. જો કે તેમાં કોઈ ઘાયલ થયું નથી અને મતદાન પર અસર પહોંચી નથી.

જ્યારે ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચી વિસ્તારમાં એક પોલીસ પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવવામાં આવી. જેમાં થયેલા ગોળીબારમાં ચાર પોલીસકર્મીઓના મોત નીપજ્યા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. આ પહેલા ટાંક રીઝનમાં એક પોલિંગ સ્ટેશન પર ફાયરિંગમાં પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં ખૈબર પખ્તૂનખ્વાંમાં કુલ 5 પોલીસકર્મીઓના મોત થઈ ચુક્યા છે.

ખૈબરમાં અફઘાન બોર્ડર નજીક એક પોલિંગ બૂથ પર તાલિબાને હુમલો કર્યો હતો અને તેમાં ત્રણ મહિલા એજન્ટ્સ ઘાયલ થઈ હતી.