Site icon Revoi.in

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

Social Share

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો હોવાની ચર્ચા છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલન મસ્કે માહિતી આપી હતી કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ભારત આવી શકે છે. PM મોદીને મળ્યા બાદ એલન મસ્ક ટેસ્લાની ભારત આવવાની શક્યતાઓની પુષ્ટિ કરી શકે છે અને મોટા રોકાણની જાહેરાત કરી શકે છે.

અમેરિકન કંપની ટેસ્લાએ તેની કારમાં સેમિકન્ડક્ટર લગાવવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી હોવાની ચર્ચા છે. આ સોદો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ટાટા ઈલેક્ટ્રોનિક્સને ટોચના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ ડીલ થોડા મહિનામાં પૂર્ણ થશે. એક અહેવાલ મુજબ Tata Electronics અને Tesla વચ્ચેની ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીઓએ પણ આ ડીલ પર કંઈ કહ્યું નથી.

ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના પ્રમુખ અશોક ચાંડકે કહ્યું છે કે, ટેસ્લાનો આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સના સ્થાનિક સપ્લાયર્સ માટે ઈકોસિસ્ટમ બનાવશે. તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સે 50-60 ટોચના સ્તરના નિષ્ણાતોની ભરતી કરી છે. બીજી તરફ ટેસ્લા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કંપની ભારતમાં 2 થી 3 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. નોંધનીય છે કે નીતિમાં ફેરફાર સાથે ઓટો કંપનીઓને 15 ટકા ઓછી આયાત ડ્યુટી પર $35,000 કે તેથી વધુ કિંમતની EVs આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ વર્ષમાં $500 મિલિયનનું રોકાણ કરવું પડશે. રોકાણ કરવા માટે વાહન ઉત્પાદકોની પ્રતિબદ્ધતા પર નિર્ભર રહેશે.