Site icon Revoi.in

શિયાળાની ઠંડીમાં માણો ગરમાગરમ પાલક ખીચડીની લિજ્જત: જાણો રેસીપી

Social Share

શિયાળાની ઋતુમાં બપોરના ભોજનમાં જો ગરમાગરમ અને પૌષ્ટિક ખીચડી મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે. ઠંડીના દિવસોમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, ત્યારે તમે આ સિઝનમાં ‘પાલક ખીચડી’ ટ્રાય કરી શકો છો. આ ખીચડી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. તમે તેને પાપડ, અથાણું અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

ચોખા: 1 કપ
મગની દાળ: અડધો કપ
પાલક: 1 જૂડી (ઝીણી સમારેલી અથવા પ્યુરી)
ડુંગળી: 1 નંગ (ઝીણી સમારેલી)
ટામેટું: 1 નંગ (ઝીણું સમારેલું)
આદુ-લસણ: 1-1 ચમચી (છીણેલું/ઝીણું સમારેલું)
લીલા મરચાં: 1 થી 2 (સ્વાદ મુજબ)
વઘાર માટે: જીરું, હિંગ, સૂકા લાલ મરચાં
મસાલા: હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું (સ્વાદાનુસાર)
ઘી અથવા તેલ: 1 મોટો ચમચો

સૌ પ્રથમ ચોખા અને મગની દાળને બરાબર ધોઈને 10-15 મિનિટ પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં દાળ-ચોખા, હળદર, મીઠું અને 3 કપ પાણી નાખીને 2 સીટી વગાડી લો. પાલકના પાનને સાફ કરી, ગરમ પાણીમાં થોડીવાર ઉકાળી (બ્લાન્ચ કરી) લો. ત્યારબાદ તેને ઠંડા પાણીમાં કાઢી મિક્સર જારમાં ક્રશ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ અને સૂકા લાલ મરચાં નાખો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, લસણ અને આદુ નાખીને બરાબર સાંતળી લો. હવે તેમાં લીલા મરચાં અને ટામેટાં ઉમેરી નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ ધાણાજીરું પાવડર અને લાલ મરચું ઉમેરો. હવે તૈયાર કરેલી પાલકની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી 2-3 મિનિટ ચઢવા દો. અંતમાં તૈયાર કરેલા દાળ-ચોખાના મિશ્રણને આ ગ્રેવીમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવો. પીરસતી વખતે આ ખીચડી પર એક ચમચી દેશી ઘી નાખવાનું ભૂલશો નહીં, તેનાથી સ્વાદ બમણો થઈ જશે!

Exit mobile version