કારેલાનું નામ સાંભળતા જ ઘણા લોકો મોં બગાડતા હોય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો તે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે વરદાન સાબિત થાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ પરંપરાગત અને પૌષ્ટિક વાનગી ‘કારેલાનું ભરથુ’. ખાસ મસાલા સાથે તૈયાર કરેલી આ રેસીપી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે અને ખાવામાં પણ લાજવાબ લાગે છે.
- સામગ્રી
કારેલા: 4-5 મધ્યમ કદના
ડુંગળી: 2 નંગ (ઝીણી સમારેલી)
ટમેટા: 2 નંગ (ઝીણી સમારેલી)
લીલા મરચા: 2 નંગ (સમારેલા)
આદુ-લસણની પેસ્ટ: 1 નાની ચમચી
મસાલા: હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું (સ્વાદ મુજબ)
તેલ: 3-4 મોટી ચમચી
કોથમીર: સજાવટ માટે
- બનાવવાની રીત
સૌ પ્રથમ કારેલાને ધોઈને છોલી લો અને તેના નાના ટુકડા કરી લો. હવે તેમાં થોડું મીઠું ભેળવીને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હળવા હાથે નિચોવીને પાણી કાઢી નાખો. આ પ્રક્રિયાથી કારેલાની કડવાશ સાવ ઓછી થઈ જશે. એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલા કારેલા નાખીને મધ્યમ આંચ પર સોનેરી અને નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેને એક પ્લેટમાં કાઢી લો. તે જ કડાઈમાં બાકીનું તેલ ઉમેરી તેમાં આદુ-લસણની પેસ્ટ અને મરચા સાંતળો. ત્યારબાદ ડુંગળી નાખી સોનેરી થાય ત્યાં સુધી ચઢવા દો. હવે ટમેટા અને તમામ સૂકા મસાલા ઉમેરીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મસાલામાંથી તેલ છૂટું ન પડવા લાગે. તૈયાર મસાલામાં સાંતળેલા કારેલા ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ચમચા વડે કારેલાને સહેજ ‘મેશ’ (કચરી) નાખો જેથી તેનો ટેક્સચર ભરથા જેવો થઈ જાય. છેલ્લે ગરમ મસાલો અને કોથમીર ભભરાવી 2 મિનિટ ગરમ કરીને ગરમાગરમ સર્વ કરો.

