કારેલા ગુણોનો ખજાનો છે અને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે, એટલા માટે જ આપણા વડીલો તેને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. આટલા ફાયદા હોવા છતાં, ખૂબ ઓછા લોકો એવા હોય છે જેમને કારેલાનું શાક ભાવતું હોય છે. કારેલાનું નામ સાંભળતાં જ લોકો મોં બગાડવા લાગે છે, કારણ કે તેમને લાગે છે કે તે કડવા જ લાગશે. જો તમે પણ આ જ ડરથી ઘરમાં કારેલા બનાવવાનું ટાળો છો, તો એકવાર ક્રંચી ‘કારેલા ફ્રાય’ ટ્રાય કરી જુઓ. આ કુરકુરા ટેસ્ટી કારેલા ખાવામાં એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તમે તેને સાંજના સ્નેક્સ (નાસ્તા) તરીકે પણ ખાઈ શકો છો. જો તમે અહીં આપેલી ખાસ રેસીપીથી કારેલા બનાવશો, તો ઘરના સભ્યોને ખબર પણ નહીં પડે કે તેઓ કારેલા ખાઈ રહ્યા છે. તો ચાલો નોંધી લો કુરકુરા કારેલા ફ્રાય બનાવવાની આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત.
- સામગ્રી
કારેલા-500 ગ્રામ
ચણાનો લોટઃ એક કપ
કોર્ન ફ્લોર અથવા ચોખાનો લોટઃ અડધો કપ(તેમજ 2 ચમતી અલગથી)
એક લીંબુનો રસ
અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ
મસાલા: સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું અને હળદર
અન્ય: થોડી ચીલી ફ્લેક્સ (કૂટેલું લાલ મરચું) અને કસૂરી મેથી
તેલ: તળવા માટે
-
બનાવવાની રીત
સૌથી પહેલા કારેલાને બરાબર ધોઈ લો અને તેની ઉપરની છાલને હલકી વણી કે છોલી લો. હવે કારેલાને ગોળ રિંગ્સમાં અથવા લાંબી પટ્ટીઓ (ફિંગર શેપ) માં કાપી લો. એક મોટા વાસણમાં પાણી લો. આ પાણીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરીને કાપેલા કારેલાને તેમાં 15 થી 20 મિનિટ માટે ડૂબાડી રાખો. ત્યારબાદ કારેલાને પાણીમાંથી કાઢી, બરાબર નીચોવીને સાફ કપડાથી લૂછી લો. એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ અને અડધો કપ કોર્ન ફ્લોર (અથવા ચોખાનો લોટ) લો. તેમાં હળદર, મરચું, ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરો. સાથે જ થોડી કસૂરી મેથી, ચીલી ફ્લેક્સ અને આદુ-લસણની પેસ્ટ મિક્સ કરો. હવે થોડું પાણી ઉમેરીને ઘટ્ટ (જાડું) ખીરું તૈયાર કરી લો. આ ઘોળ બહુ પાતળું ન હોવું જોઈએ. એક પ્લેટમાં બે ચમચી કોર્ન ફ્લોર અલગથી કાઢી લો. તેમાં સહેજ મીઠું અને મરી પાવડર મિક્સ કરો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે સૂકવેલા કારેલાના ટુકડાને પહેલા કોરા કોર્ન ફ્લોરના પાવડરમાં રગદોળો (કોટ કરો), ત્યારબાદ તેને તૈયાર કરેલા ઘટ્ટ ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં નાખો. કારેલા ગોલ્ડન બ્રાઉન અને એકદમ કુરકુરા થાય ત્યાં સુધી મીડિયમ આંચ પર તળી લો. તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કારેલા ફ્રાય! આ કારેલા બિલકુલ કડવા નથી લાગતા અને તમે તેને સ્નેક્સ કે સ્ટાર્ટર તરીકે એન્જોય કરી શકો છો.
- કારેલાની કડવાશ દૂર કરવાની સ્માર્ટ ટિપ્સ
કારેલાને કાપીને લીંબુ-મીઠાવાળા પાણીમાં રાખવાથી તેની કડવાશ મોટાભાગે દૂર થઈ જાય છે.
કારેલાના ટુકડાને ધોયા પછી થોડીવાર પંખા નીચે હલકા સૂકવી લેવાથી પણ કડવાશ ઓછી થાય છે.
જો તમે કારેલાનું શાક બનાવી રહ્યા હોવ, તો તેમાં ડુંગળી (કાંદો) વધુ પ્રમાણમાં નાખો. ડુંગળીની ગળ્યાશ કારેલાની કડવાશને બેલેન્સ કરે છે.
શાકમાં આમચૂર પાવડર અથવા આંબલીનો પલ્પ ઉમેરવાથી પણ કડવાશ દબાઈ જાય છે અને શાક ચટાકેદાર બને છે.

