Site icon Revoi.in

વ્રત હોય કે નાસ્તો: બનાવો ટેસ્ટી અને હેલ્ધી સાબુદાણા બટાકા પરોઠા, જાણો રેસીપી

Social Share

જો તમે સવારના નાસ્તામાં કંઈક એવું ખાવા માંગતા હોવ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને ઝડપથી બની જાય, તો સાબુદાણા બટાકા પરોઠાની રેસીપી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પરોઠાની ખાસિયત એ છે કે તે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે.

સાબુદાણા- અડધો કપ, પાણી- સવા કપ (સાબુદાણા પલાડવા માટે), બટાકા- 1 કપ(બાફેલા અને મેશ કરેલા), મીઠું- સ્વાદ અનુસાર, શેકેલુ જીરુ- દોઢ ચમચી, લીલા મરચાં- 1, સાંગદાણા- 3 ચમચી (શેકેલા), કોથમી, તેલ અથવા ઘી- પરોઠા શેકવા માટે

સૌ પ્રથમ અડધો કપ સાબુદાણાને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને એક વાસણમાં સવા કપ પાણી નાખીને 4 કલાક માટે પલાળી રાખો. બાકીના 3 ટેબલસ્પૂન સાબુદાણાને મિક્સરમાં પીસીને તેનો ઝીણો પાવડર બનાવી લો. આ પાવડર બાઈન્ડિંગમાં મદદ કરશે. 4 કલાક પછી સાબુદાણા ફૂલી જશે. હવે તેને એક મોટી પ્લેટમાં કાઢી લો. તેમાં મેશ કરેલા બટાકા, તૈયાર કરેલો સાબુદાણાનો પાવડર, સિંધાલૂણ, શેકેલું જીરું, લીલા મરચાં, સીંગદાણાનો ભૂકો અને લીલા ધાણા ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરીને લોટ જેવું તૈયાર કરી લો.

હવે હાથમાં થોડું તેલ લગાવી તેના મીડિયમ સાઈઝના લૂઆ બનાવી લો. સાબુદાણાનો લોટ ચીકણો હોવાથી તેને સીધો વણવો મુશ્કેલ છે. તેથી કિચન કાઉન્ટર પર બટર પેપર અથવા પ્લાસ્ટિક શીટ રાખો અને તેના પર થોડું તેલ લગાવો. એક લૂઆને વચ્ચે રાખીને હળવા હાથે દબાવીને ફેલાવો. જો કિનારીઓ ફાટવા લાગે તો તેને આંગળીઓથી અંદરની તરફ દબાવીને ગોળ આકાર આપો. તેને આશરે ૬ ઈંચના વ્યાસ સુધી ફેલાવો. તવાને ગરમ કરો અને તેના પર થોડું ઘી લગાવો.

હવે બટર પેપર સાથે પરોઠાને ઉંધા કરી તવા પર મૂકો અને ધીમેથી પેપર હટાવી લો. મધ્યમ તાપ પર પરોઠાને શેકો. ઉપરની તરફ થોડું ઘી લગાવો અને સાવચેતીથી પલટાવો. બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. હવે ગરમાગરમ સાબુદાણા બટાકાના પરોઠાને ઠંડા દહીં, ફરાળી ચટણી અથવા સીંગદાણાની કઢી સાથે પીરસો. જો તમે ઉપવાસ માટે નથી બનાવી રહ્યા, તો આમાં લાલ મરચું પાવડર, આમચૂર અને સાદું મીઠું પણ ઉમેરી શકો છો.

Exit mobile version