તેલ અવીવ, 28 ફેબ્રુઆરી 2026: મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આખરે યુદ્ધમાં પરિણમ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક વ્યૂહાત્મક સ્થળો પર વ્યાપક હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનની રાજધાની તેહરાન આજે વહેલી સવારે શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા.
ઇઝરાયેલી સેનાએ ઈરાન પર એક પછી એક અનેક રોકેટ અને મિસાઈલો દાગી છે. ઇઝરાયેલે આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં સૈન્ય કાર્યવાહીના દ્રશ્યો જોઈ શકાય છે. ઇઝરાયેલે આને ‘પ્રી-એમ્પટિવ એટેક’ એટલે કે પૂર્વવ્યાપી હુમલો ગણાવ્યો છે. દુશ્મન હુમલો કરે તે પહેલા જ તેને નબળો પાડવા માટે આ પ્રકારની વ્યૂહાત્મક સૈન્ય કાર્યવાહી કરવામાં આવે છે.
હુમલાની શરૂઆત સાથે જ ઇઝરાયેલના રક્ષા મંત્રી ઇઝરાયેલ કાત્ઝે દેશભરમાં ‘વિશેષ અને કાયમી કટોકટીની સ્થિતિ’ જાહેર કરી દીધી છે. એપી (AP) ના અહેવાલ મુજબ, ઇઝરાયેલમાં પણ સાયરન વાગી રહ્યા છે અને નાગરિકોને સંભવિત મિસાઈલ હુમલાના જોખમ સામે ચેતવણી આપવામાં આવી છે. ઇઝરાયેલ સરકારે એડવાઈઝરી જારી કરીને લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળો અને બંકરોમાં જવા આદેશ આપ્યો છે.
ઈરાનની રાજધાની તેહરાનના ડાઉનટાઉન વિસ્તારમાં થયેલા વિસ્ફોટોને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થવાના અવાજો અને મિસાઈલ હુમલાથી આખું શહેર હચમચી ગયું છે. અમેરિકા અને ઇઝરાયેલના આ સંયુક્ત હુમલા બાદ હવે ઈરાન કેવો વળતો પ્રહાર કરે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. વિશ્લેષકોના મતે આ હુમલો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન તણાવ: યુરોપિયન દેશોનું ટ્રાવેલ એલર્ટ, મિડલ ઈસ્ટ છોડવા આદેશ

