Site icon Revoi.in

લમ્પી વાયરસ સામેની લડાઈઃ ગુજરાતમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યના 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ થયું છે જિલ્લા કક્ષાએ આ હેતુસર 6 લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે કચ્છની મુલાકાત લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સુચન પણ કર્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કચ્છ જિલ્લામાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરની ભૂજ ખાતે મુલાકાત લીધી હતી.  સમગ્ર જિલ્લામાં 37840 પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલાં છે. આવાં અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં  અસરગ્રસ્ત પશુઓની સારવાર સંભાળ થઈ રહી છે.

પશુધનમાં આ લમ્પી સ્કીન ડિસીઝની સારવાર અને રસીકરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા 222 પશુચિકિત્સા અધિકારીઓ, 713પશુધન નિરીક્ષકો સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં, રાજ્યની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને અધ્યાપકો મળીને 107 સભ્યો કચ્છ ઉપરાંત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને બનાસકાંઠામાં કાર્યરત થયા છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ 175 લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે બેઠકમાં કહ્યું હતું કે, પશુપાલકો પોતાના પશુધનને આ રોગથી બચાવવા પશુ રસીકરણ કરાવે તે માટે જિલ્લા તંત્ર સતત પ્રચાર-પ્રસાર કરતું રહે.