Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી માર્ચના રોજ ઉત્તરપ્રદેશ, ગોવા અને પંજાબ સહિત પાંચ રાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં અંતિમ  તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ જીતનો દાવો કર્યો હતો. મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીએ જોનપુર જિલ્લાની મલ્હની વિધાનસભાના 367ના બૂથમાં ભાજપ દ્વારા બોગસ મતદાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ચૂંટણીપંચને પણ આ અંગે ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. આઝમગઢમાં સગડી વિધાનસભા વિસ્તારમાં છપરા સુલ્તાનપુર બુથ ઉપર સપાના એક કાર્યકર મોબાઈલ ફોન લઈને જવાની ફિરાકમાં હતો. જો કે, તેને અટકાવવામાં આવતા તકરાર થઈ હતી. જો કે, તમામ 54 બેઠકો ઉપર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. તેમજ તમામ ઈવીએમને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ લઈ જવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, તમામ લોકોની નજર ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઉપર મંડાયેલી છે. ચૂંટણીપંચ દ્વારા મતગણતરીને લઈને પણ વ્યવસ્થા કરવામાં આવી છે.