Site icon Revoi.in

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Social Share

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. ગુડગાંવથી નોઈડા સુધી દિલ્હીની તમામ સરહદો કેટલાય કિલોમીટર સુધી જામ થઈ ગઈ હતો. આ સિવાય સોમવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થવાનું હોવાથી ટ્રાફિક પોલીસે ઘણા માર્ગો બંધ કરી દીધા હતા, તેની અસર દિલ્હીની અંદરના રસ્તાઓ પર પણ જોવા મળી હતી.

દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર સરહોલ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ થયો હતો. અગ્નિપથ યોજના વિરુદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અહીં વાહનોનું ચેકિંગ કર્યું હતું. જેના કારણે સરહૌલ બોર્ડર પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી. ગુરુગ્રામ પોલીસે દરમિયાનગીરી કરી અને જામ વધુ લાંબો થતાં સરહોલ બોર્ડર પર સવારે 10.15 વાગ્યે દિલ્હી પોલીસની બેરિકેડિંગ હટાવી દીધી. જેના કારણે લોકોને થોડી રાહત મળી હતી. દિલ્હી પોલીસ સવારે 7.30 વાગ્યાથી વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

દિલ્હી-નોઈડા બોર્ડર પર પણ પોલીસ સવારથી જ વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. જેથી દિલ્હી-નોઈડા બોર્ડર પર પણ ભારે જામ સર્જાયો હતો. એક્સપ્રેસ વે, મહામાયા ફ્લાયઓવર, ફિલ્મ સિટી સુધી હજારો વાહનો અટવાયા હતા. ઓફિસ જવાનો સમય હોવાથી લોકો ખૂબ જ પરેશાન દેખાતા હતા.

અગ્નિપથનો વિરોધ કરી રહેલા સંગઠનો દ્વારા દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ ચેકિંગ વિના વાહનોને રાજધાનીમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.  જેના કારણે સરહોલ બોર્ડરથી એટલાસ ચોક, દિલ્હી-નોઈડા લિંક રોડ, દિલ્હી-નોઈડા-ડાયરેક્ટ ફ્લાયવે, ચિલ્લા બોર્ડર સુધી દૂર-દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નોઈડા એક્સપ્રેસ વે પર મહામાયા બ્રિજથી નોઈડા ગેટ સુધી બે કિલોમીટર લાંબો જામ થયો હતો.