Site icon Revoi.in

કલોલના પૂર્વ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટીના વધુ 88 કેસ નોંધાયા

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ શહેરમાં  રોગચાળાએ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટી ના વધુ 88 કેસ નોંધાયા હતા.જેમાં 88 દર્દીઓમાંથી 14 દર્દીઓને સારવાર માટે ખસેડાયા હતા. મોડે મોડે જાગેલા તંત્રએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની 30 ટીમો બનાવીને ઘરે ઘરે સર્વે શરુ કરવામાં આવ્યો છે.

કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં ઝાડા-ઊલટીના કેસો નોંધાઇ રહ્યા છે. કલોલમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઊલટીના વધુ 88 કેસ નોંધાયા છે. જેમાંથી 14 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કલોલમાં રોગચાળો વધતા તંત્ર દ્વારા 30 ટીમ બનાવી 2921 ઘરોમાં સર્વે હાથ ધરાયો છે. પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે આરોગ્ય તંત્રએ આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કલોલમાં મંગળવારે ઝાડા-ઊલટીના 60 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે એક બાળકનું મોત  થયું હતુ. કોલેરાનો રોગચાળો વકર્યો હોવાની નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી. જ્યારે આ દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર દિવડા સોસાયટીનાં વિસ્તારમાં પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતાં રોગચાળો વકર્યો છે. કોલેરા કેસ વધતાં નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આરોગ્ય ટીમ દ્વારા તમામના લોહીના નમૂના લઈને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કમિશ્નર સાથે પણ ટેલિફોનિક વાતચિત કરી હોવાનું જણાવ્યું હતું.