- સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યા શંકાસ્પદો, ત્રણ પાકિસ્તાની હોવાની આશંકા
- ડોડાના ભદ્રવાહ વિસ્તારના રામતુંડ જંગલોમાં સુરક્ષા દળોની ઘેરાબંધી
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ વિસ્તારના રામતુંડ ખાતે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ જોવા મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોએ આ શંકાસ્પદ જૂથને પોતાની નજરે જોઈને કેમેરામાં કેદ કર્યું હતું અને તુરંત જ સુરક્ષા દળોને આ અંગેની જાણકારી આપી હતી. માહિતી મળતાની સાથે જ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ (CRPF) દ્વારા સંયુક્ત રીતે એક મોટું આતંકવાદ-વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા આખા વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સઘન તપાસ ચાલી રહી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જૂથમાં ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાની હોઈ શકે છે, જ્યારે તેમની સાથે એક સ્થાનિક આતંકવાદી પણ સામેલ હોવાની શક્યતા છે. આ આતંકવાદી જૂથ કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. તેમજ રામતુંડ અને તેની આસપાસના દુર્ગમ તથા જંગલ વિસ્તારોમાં સુરક્ષા દળોની અનેક ટુકડીઓ દ્વારા કાંબિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદોને શોધી કાઢવા માટે આધુનિક ડ્રોન કેમેરા અને સ્નિફર ડોગ્સની મદદ પણ લેવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા આસપાસના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ જણાય તો તુરંત જ સુરક્ષા દળોને સૂચિત કરવા અપીલ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં વધારાના સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આ તમામ શંકાસ્પદ આતંકવાદીઓનો પત્તો નહીં લાગે, ત્યાં સુધી આ સર્ચ ઓપરેશન અવિરત ચાલુ રહેશે તેમ સત્તાવાર સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

