અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજાનારી કોર્પોરેશનની ચૂંટણી લોકહિતને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા મોકુફ રાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. બીજી તરફ તા. 18મી એપ્રિલના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને મોકુફ રાખવા માટે રાજકીય પક્ષો દ્વારા માંગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણીપંચને પત્ર લખીને લોકહિતમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા અપીલ કરી હતી. દરમિયાન રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મનપાની ચૂંટણી મોકુફ રાખવાનો ઈલેક્શન કમિશને નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.