અમદાવાદ, 2 એપ્રિલ, 2026 – GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026 થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપના પ્રારંભે પહેલી એપ્રિલને બુધવારે CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા GCCI ખજાનચી ગૌરાંગભાઈ ભગતે GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ ચેરમેન વિપુલભાઈ મહેતાને આવા મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેઓએ આ પ્રસંગે ટ્રેનર તરીકે ઉપસ્થિત રહેવા માટે શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટનો પણ ખૂબ આભાર માન્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત તાલીમ તમામ સહભાગીઓને પ્રમાણપત્ર તેમજ સરકાર દ્વારા જારી કરાયેલા “આર્ટિસન કાર્ડ” પ્રદાન કરશે જે થકી રોજગાર મેળવવાની તેમજ એક તાલીમબદ્ધ કારીગર તરીકે પોતાનો વ્યવસાય કરવાની તકો વધી જશે.
તેમણે GCCI ની આવી તાલીમ પૂરી પાડવા અને લોકોને મોટા પાયે સશક્ત બનાવવા અને તેના દ્વારા ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગના વિકાસમાં મદદ કરવા માટેની પ્રતિબદ્ધતા ઉપર ભાર મુક્યો હતો.
આ પણ વાંચોઃ GCCI દ્વારા સૌપ્રથમ વખત ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલનો નવતર પ્રયોગ
સાત દિવસીય વ્યાપક તાલીમમાં હસ્તકલા જ્વેલરીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે, જેમ કે ગુંથણી, લટકણ/ઢીંગલી, છેડીયુ, ગળાનો હાર, કાનની વીંટી અને વાળના એસેસરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
તાલીમમાં આ સંદર્ભમાં વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે અને સાત દિવસની તાલીમ પછી તમામ સહભાગીઓને કારીગર કાર્ડ તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. વર્કશોપના ઉદ્ઘાટન સત્રના અંતે જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સના મેમ્બર આશિષ ઝવેરીએ આભારવિધિ કરી હતી.

