-
અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની નાકાબંધીને કારણે તેલના ભાવ ભડકે બળ્યા
નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ઉછળીને 120 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો છે, જે વર્ષ 2022 પછીનું સૌથી ઉચ્ચ સ્તર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાની બંદરો પર અમેરિકાની લાંબી નાકાબંધીને કારણે વૈશ્વિક સપ્લાય ખોરવાઈ જવાની આશંકાથી તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ઉર્જા સંકટ પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો તણાવ મુખ્ય કારણ છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જલડમરુમધ્યને ફરીથી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ટ્રમ્પનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી વ્યાપક પરમાણુ સમજૂતી નહીં થાય ત્યાં સુધી આ નાકાબંધી ચાલુ રહેશે. આ પરિસ્થિતિને પહોંચી વળવા ટ્રમ્પે તેલ કંપનીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે ઈરાને “ઝડપથી સમજદારી બતાવવી જોઈએ”. આ પોસ્ટ સાથે એક એઆઈ-જનરેટેડ તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં ટ્રમ્પ બંદૂક સાથે જોવા મળે છે અને પાછળ વિસ્ફોટ થઈ રહ્યા છે. આ તસવીર પર સંદેશ લખ્યો છે કે, “નો મોર મિસ્ટર નાઈસ ગાય!” (હવે કોઈ ભલાઈ બતાવવામાં આવશે નહીં). બીજી તરફ વિશ્લેષકો આ સ્થિતિને અત્યાર સુધીનું સૌથી મોટું ઉર્જા સંકટ ગણાવી રહ્યા છે.
ક્રૂડ ઓઈલના વાયદા બજારમાં કિંમતો સતત વધી રહી છે. જૂન કોન્ટ્રાક્ટ માટે 1.91 ડોલર (1.62 ટકા) વધીને 119.94 ડોલર પર પહોંચ્યું છે. આ સતત નવમા દિવસે તેજી નોંધાઈ છે. અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ પણ 0.59 ટકા વધીને 107.51 ડોલર પ્રતિ બેરલ થયું છે. તેલના વધતા ભાવની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે ભારતીય કંપનીઓના નફા અને કોર્પોરેટ માર્જિન પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

