Site icon Revoi.in

વૈશ્વિક તેલ સંકટ: તેલના ભાવ 200 ડોલરને પાર પહોંચવાની ભીતિ વ્યક્ત કરી ઈરાને

Social Share

તેહરાન, 12 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે વિશ્વની અર્થવ્યવસ્થાને પાયમાલ કરી શકે તેવા વળાંક પર પહોંચી ગયું છે. ઈરાને વિશ્વને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ક્રૂડ ઓઈલની કિંમત 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બુધવારે ઈરાની દળોએ અખાતી દેશોમાં અનેક વ્યાપારી જહાજો પર હુમલા કર્યા હતા, જેને પગલે વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી હોર્મુઝની ખાડી દ્વારા તેલનું પરિવહન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.

ઈરાની મિલિટરી કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફીકારે અમેરિકાને સંબોધતા આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, “તેલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ થવા માટે તૈયાર રહો. તેલની કિંમત પ્રાદેશિક સુરક્ષા પર નિર્ભર કરે છે અને તે સુરક્ષા તમે જ બગાડી છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલું યુદ્ધ હવે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે.

ઈરાનનું વલણ હવે વધુ આક્રમક બન્યું છે. ઈરાનનું કહેવું છે કે હવે તે માત્ર વળતા પ્રહાર કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ દુશ્મન દેશો અને તેમના હિતો પર સતત હુમલા કરશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના તેલ વેપાર માટેની ધમની સમાન છે અને જો અહીં લાંબો સમય પરિવહન બંધ રહે, તો ભારતે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાનો સામનો કરવો પડી શકે છે.

યુદ્ધ શરૂ થયાના માત્ર બે અઠવાડિયામાં તેલના પરિવહન પર આટલી ગંભીર અસર પડતા વૈશ્વિક બજારોમાં ફફડાટ ફેલાયો છે. જો તેલ 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચશે, તો વિશ્વભરમાં મોંઘવારીનો આંકડો બેકાબૂ બની જશે અને પરિવહનથી લઈને ઉત્પાદન સુધીના તમામ ક્ષેત્રો મોંઘા થઈ જશે.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ શિવે શરણે: સુંદર-વરુણ ચક્રવર્તીએ ઉઘાડા પગે પરિક્રમા કરી

Exit mobile version