Site icon Revoi.in

ગોંડલ : 1800 વર્ષ જુની ખંભાલિડા બોદ્ધ ગુફાનો પ્રવાસન સ્થળ તરીકે થશે વિકાસ

Social Share

રાજકોટઃ  જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જાહે૨ ક૨વામાં આવી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાના ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ ખુશ્બુ ગુજરાત કીનું શુટિંગ કર્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટ૨ અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનું બીજા તબક્કાનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. તાજેત૨માં ગાંધીનગ૨ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાના પ્રોજેક્ટમાં થયેલા કામો અંગે પ્રેઝન્ટેશન પણ ક૨વામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખંભાલીડાની આ બૌદ્ધ ગુફાની શોધ પુરાતત્વવિદ પી.પી.પંડ્યા દ્વારા ક૨વામાં આવી હતી.આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ પ૨ લઈ આ સમયે પ્રોજેક્ટનું ખાતમૂર્હુત તે સમયના નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે ક૨વામાં આવ્યું હતું. ત્યા૨બાદ આ પ્રોજેક્ટ થોડો ચાલ્યા બાદ ચા૨થી પાંચ વર્ષ સુધી તેનું કામ અટકી પડ્યું હતું. બાદમાં આ પ્રોજેક્ટને આગળ વધા૨વા ગતિ અપાય છે. આ પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી 300 મીટ૨ દૂ૨ પ્રાર્થના હોલ, ગેસ્ટહાઉસ અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે.

ગોંડલથી 20 કિલોમીટર દૂર આવેલા ખંભાલીડા ગામમાં 1957-59ની સાલમાં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઇ હતી. આ ગામમાં 1700થી 1800 વર્ષ પહેલાના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલા છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જોતા જ અજંતા-ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી 1800 વર્ષથી બેનમૂન છે.    ગુજરાત રાજ્યનાં ટુરિઝમ વિભાગ દ્વારા ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવવા ખુશ્બુ ગુજરાત કી નામની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી.

જે ડોક્યુમેન્ટરી ફિલ્મનાં ત્રીજા તબક્કાના શુટિંગ માટે બોલીવૂડનાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ખંભાલીડા આવ્યા હતા. ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે વસેલા પ્રાચીન ગણાતી બૌદ્ધ ગુફામાં સવારના સાતથી સાંજના છ સુધી તેમને શુટિંગ કર્યું હતું. અહીં તેઓએ કાઠીયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.