Site icon Revoi.in

ગુગલના CEO સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી મુલાકાત, AI ક્ષેત્રે ભારતની ક્ષમતા પર મુક્યો વિશ્વાસ

Social Share

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ટેક જગતના દિગ્ગજ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. પિચાઈ ભારત સરકાર દ્વારા આયોજિત ‘ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ માં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. ભારત પહોંચતા જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું કે, “એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે ભારત પરત ફરીને ખૂબ આનંદ થયો છે, અહીં હંમેશાની જેમ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે.”

સુંદર પિચાઈ આ સમિટના અંતિમ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ મુખ્ય ભાષણ આપશે. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સામાજિક પ્રભાવ અને ગુગલના ભારતમાં રોકાણ અંગે મહત્વની જાહેરાતો કરે તેવી શક્યતા છે. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન આ વૈશ્વિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં 110 થી વધુ દેશો, 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો, અંદાજે 20 રાષ્ટ્રાધ્યક્ષો અને 45 થી વધુ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ સમિટ ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ મોટી એઆઈ કોન્ફરન્સ છે, જેનું મુખ્ય સૂત્ર ‘એઆઈ ફોર હ્યુમેનિટી’ છે. આ ઇવેન્ટ ‘પીપલ’ (લોકો), ‘પ્લેનેટ’ (પૃથ્વી) અને ‘પ્રોગ્રેસ’ (પ્રગતિ) ના ત્રણ પાયા પર આધારિત છે.

વડાપ્રધાન મોદીએ AI ના વધતા પ્રભાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતનું આઈટી સેક્ટર દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ રહ્યું છે. એઆઈના કારણે સર્જાયેલા ઓટોમેશન અને આઉટસોર્સિંગના નવા મોરચા ભારત માટે મોટી તક છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, એઆઈના સથવારે ભારતનું આઈટી ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં 400 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય એઆઈ ટેકનોલોજીને માત્ર આર્થિક પ્રગતિ પૂરતી મર્યાદિત ન રાખતા તેને સમાજ માટે સુરક્ષિત, સમાવેશી અને ટકાઉ બનાવવાનો છે.

આ પણ વાંચોઃ ફિનલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Exit mobile version