Site icon Revoi.in

કચ્છના સરકારી પુસ્તકાલયો ગ્રંથપાલ અને સ્ટાફ વિહોણા, સુવિધાનો પણ અભાવ

Social Share

ભુજ  :  કચ્છ જિલ્લામાં તમામા સરકારી પુસ્તકાલયોમાં ગ્રંથપાલો નથી, પુસ્તકાલયોમાં જરૂરી સુવિધાનો અભાવ છે, ત્યારે સરકારનું વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થાય તે પ્રશ્ન છે. વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા `વાંચે ગુજરાત’ અભિયાન સહિતના અનેકવિધ આયોજન કરાયા છે. કચ્છના જિલ્લામથકે અદ્યતન રીડિંગ સેન્ટર ઊભું કરવા સહિતની કવાયત હાથ ધરાઇ છે , પણ આ તમામ કામગીરી કરવા માટે પૂરતો સ્ટાફ જ વાંચનાલયમાં ઉપલબ્ધ નથી. આ બધા અવરોધો અસુવિધાના પ્રભાવ વચ્ચે વાંચે ગુજરાત અભિયાન ક્યાંથી સફળ થશે તેવો વેધક સવાલ જાગૃતો દ્વારા ઉઠાવાઇ રહ્યો છે.

કચ્છના જિલ્લામથક ભુજમાં જિલ્લા સરકારી પુસ્તકાલય ઉપરાંત નખત્રાણા, નલિયા અને ભચાઉમાં ત્રણ તાલુકા પુસ્તકાલયો તેમજ રાપર-દયાપરમાં સાર્વજનિક પુસ્તકાલય આવેલાં છે. કચ્છના આ એક પણ સરકારી પુસ્તકાલયમાં ગ્રંથપાલની જગ્યા ભરાયેલી નથી. આ છ પુસ્તકાલયોમાં માત્ર બે કલાક 3 પટ્ટાવાળા અને 1 ડ્રાઇવરની જગ્યા ભરાયેલી છે અને આટલા સ્ટાફમાં આખા જિલ્લાનો વહીવટ કરવો પડતો હોવાની સ્થિતિ સર્જાઇ છે.  જિલ્લા મથક ભુજમાં આવેલા જિલ્લા સરકારી પુસ્તકાલયમાં અનેક ફરિયાદો બાદ  કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારીએ આ લાયબ્રેરીની મુલાકાત લીધા બાદ ફર્નિચર, આર.ઓ. પ્લાન્ટની ખરીદી માટે 3 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. પણ 50,000થી વધુ પુસ્તકોનું વાંચન વૈવિધ્ય અને બે ગ્રંથ ભંડાર, મહિલા અને સામાન્ય જનતા માટે અલાયદા વાંચન કક્ષની સુવિધા ધરાવતાં પુસ્તકાલયમાં સ્ટાફ જ ન હોય  સંચાલન કરવું ઘણું અઘરું પડી રહ્યું છે. જિલ્લા પુસ્તકાલયમાં ગ્રંથપાલ ઇન્ચાર્જ છે અને તેમને જ નખત્રાણા-નલિયાનો હવાલો સોંપાયો ત્યારે તમામ મોરચે એકસાથે કઇ રીતે પહોંચી શકાય તે એક મોટો સવાલ છે.

જિલ્લા પુસ્તકાલયમાં 2000થી વધુ સભ્યો નોંધાયેલા છે. વાંચનાલયમાં આવતા વાચકોને સાનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે અનેક પ્રકારના આયોજનો વિચારણાધિન રખાયા છે પણ સ્ટાફની ઘટના લીધે સુવિધાઓ વધુ વિકસાવી શકાતી નથી. સામાન્ય નિયમ અનુસાર ગ્રંથ ભંડાર, પુસ્તકાલય ખંડ, ફરતા પુસ્તકાલયની કામગીરી કરવા માટે અલાયદો વહીવટી સ્ટાફ હોવો જોઇએ પણ કચ્છના સરકારી વાંચનાલયોમાં સ્ટાફ ઘટની મોટી પીડાના કારણે આવા નિયમોનુંય પાલન કરી શકાતું નથી. જિલ્લામાં ફરતાં પુસ્તકાલયના 82 જેટલા કેન્દ્ર કાર્યરત કરાયાં છે પણ છેલ્લા લાંબા સમયથી ફરતાં પુસ્તકાલયની કામગીરી બંધ પડી છે અને આ માટેનું વાહન પણ ધૂળ ખાઇ રહ્યું છે. ફરતાં પુસ્તકાલય માટે પણ એક કલાર્કની આવશ્યકતા રહેતી હોય છે. સ્ટાફ ઘટ વચ્ચે કઇ રીતે શક્ય બને એ એક મોટો સવાલ છે. વાંચન ક્ષેત્રનો વિકાસ થાય તે ચોક્કસથી સારી બાબત ગણી શકાય પણ જો સ્ટાફની ઘટ જેવી ખૂટતી કડીઓ નિવારાય તો વિકાસ ખરા અર્થમાં સાર્થક થઇ શકે તેમ છે. રાજ્યની સાથે જિલ્લા વહીવટી તંત્ર આ તરફ ધ્યાન કેન્દ્રિત કરે તે અતિ ઇચ્છનીય બની ગયું છે.