Site icon Revoi.in

E20 પેટ્રોલથી વાહનના એન્જિન ખરાબ થવાની અફવાને સરકારે ફગાવી, વાહનના પ્રદર્શન પર નથી થતી કોઈ અસર

Social Share

નવી દિલ્હી, 30 જુલાઈ 2026: દેશભરમાં E20 (20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) ના અમલીકરણ અને તેનાથી વાહનો પર પડતી અસરોને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં પોતાનું વલણ બિલકુલ સ્પષ્ટ કરી દીધું છે. ગુરુવારે લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) કાર્યક્રમ કોઈ પણ ઉતાવળ વગર, તબક્કાવાર, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત અને તમામ હિસ્સાધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી જ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ઈથેનોલનું મિશ્રણ રાતોરાત નથી વધારવામાં આવ્યું, પરંતુ દેશમાં તેની ઉત્પાદન ક્ષમતા, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમનકારી વ્યવસ્થાઓ ઊભી થયા બાદ જ તેને અત્યંત તબક્કાવાર અને સંતુલિત રીતે આગળ વધારવામાં આવ્યું છે.

મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે E20 ઇંધણ બજારમાં ઉતારતા પહેલા સરકારે વ્યાપક સ્તરે ટેસ્ટિંગ કર્યું હતું. ઇંધણ પ્રણાલી, એન્જિનની ડ્યુરેબિલિટી (ટકાઉપણું), ડ્રાઇવિંગ અનુભવ, મટિરીયલ કમ્પાટીબિલિટી (સામગ્રી અનુકૂળતા), ઉત્સર્જન પ્રદર્શન અને ગ્રાહકોની સ્વીકૃતિનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નીતિના નિર્માણમાં ઓટોમોબાઈલ ઉત્પાદકો, ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ, SIAM, ARAI, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs),ઈથેનોલ ઉત્પાદકો અને ખાંડ તથા અનાજ ઉદ્યોગના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા અને બજારમાં વાહનોના એન્જિન સીઝ થવાની કે બગડવાની ફેલાયેલી અફવાઓને કેન્દ્ર સરકારે સત્તાવાર આંકડાઓ સાથે ફગાવી દીધી છે. સરકારે જણાવ્યું કે, પ્રયોગશાળાના અભ્યાસો અને વાસ્તવિક ઉપયોગના અનુભવોમાં E20 ઇંધણને કારણે વાહનના પ્રદર્શન પર કોઈ નુકસાનકારક અસર જોવા મળી નથી. દેશમાં E15+ ઇંધણ સાડા ત્રણ વર્ષથી અને E19-E20 ઇંધણ અઢી વર્ષથી મોટા પાયે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. હાલમાં દેશમાં 20 કરોડથી વધુ બે-વ્હીલર્સ અને 3 કરોડથી વધુ પેટ્રોલ કાર આ મિશ્રિત ઇંધણ પર કોઈપણ મોટી એન્જિન નિષ્ફળતા વગર દોડી રહી છે. સર્વિસ ડેટા પુષ્ટિ કરે છે કે E20 ઇંધણને કારણે વાહનોમાં કોઈ અસામાન્ય કાટ કે ઘસારો થતો નથી. ઓટો કંપનીઓ પણ માનક E20 વાહનોની વોરંટીનો પૂરેપૂરો અમલ કરી રહી છે.

ઓટોમોબાઈલ કંપનીઓના સર્વિસ ડેટા ટાંકતા સરકારે જણાવ્યું કે, એક પ્રમુખ કાર નિર્માતાએ નાણાકીય વર્ષ 2025-26માં 2.84 કરોડ વાહનોની સર્વિસિંગ કરી, જેમાં 1.5 કરોડ જૂની ગાડીઓ પણ સામેલ હતી, પરંતુ E20 ને લગતી એન્જિન નુકસાનીનો કોઈ ગંભીર મામલો સામે આવ્યો નથી. તેવી જ રીતે અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા પણ કોઈ મોટી ખરાબી નોંધાઈ નથી. વાહનોની ઇંધણ દક્ષતા વિશે સરકારે સ્પષ્ટ કર્યું કે માત્ર E10 માટે ડિઝાઇન કરાયેલા જૂના વાહનોમાં માઇલેજમાં આશરે 2 થી 6 ટકા જેટલો મામૂલી તફાવત આવી શકે છે. આ તફાવત પણ ડ્રાઇવિંગની સ્થિતિ, વ્યક્તિગત ટેવો અને વાહનના મેન્ટેનન્સ જેવા અન્ય ઘણા પરિબળો પર આધાર રાખે છે.

ગ્રાહકોના એ સવાલ પર કે રસીદ પર ઈથેનોલની માહિતી કેમ નથી હોતી, સરકારે સ્પષ્ટ કર્યું કે જાહેર ક્ષેત્રના પેટ્રોલ પમ્પો પર હાલમાં વેચાતું સામાન્ય પેટ્રોલ જ E20 છે. બજારમાં હવે E0 (શુદ્ધ પેટ્રોલ) કે E10 ઉપલબ્ધ ન હોવાથી રસીદ પર અલગથી ડિસ્પ્લે કે ટકાવારી છાપવાની જરૂરિયાત ઊભી થઈ નથી. ઉપરાંત, 2005 થી 2016 વચ્ચે બનેલા BS-III વાહનોમાં E20 વાપરતી વખતે ક્યારેક રબરના નાના પાર્ટ્સ અથવા ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે, પરંતુ એકંદરે જૂના વાહનોના મેટલ અને પ્લાસ્ટિક પાર્ટ્સ પર પણ કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી.

Exit mobile version