Site icon Revoi.in

ગુજરાતમાં મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારનો એકશનપ્લાન

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રીએ FICCI ની મહિલા પાંખ FLO ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરી તેમની સાથે સહજ સંવાદ-વાર્તાલાપ યોજ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સાથે નારી સશક્તિકરણ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ-વીમેન એમ્પાવરમેન્ટનો નવો અધ્યાય રચ્યો છે અને આ વર્ષે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલાલક્ષી યોજનાઓનું બજેટ 1લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. મુખ્યમંત્રીએ સમાજના વિવિધ વર્ગો, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, અદના સેવક એવા કર્મયોગીઓ સાથે સંવાદ ગોષ્ઠીની શ્રૃંખલાની નવતર પરંપરા શરૂ કરી સૌને ‘અમારા ભૂપેન્દ્રભાઇ’ની પોતીકાપણાની અનુભૂતિ કરાવી છે. તેમણે આ મહિલા ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો, ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિના પ્રદાનની વિગતો, વાતચીત અને પરસ્પર સંવાદ દ્વારા મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉદ્યોગ સાહસિક મહિલાઓને જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓને પ્રોત્સાહન સહિતની 200 થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી યોજનાઓ છે. તેમણે રાજ્ય સરકારે મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો અભિગમ દાખવ્યો છે તેની ભૂમિકા પણ આપી હતી. FLO ની ઉદ્યોગ સાહસિક બહેનોએ પણ તેમને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ સહિતના અનુભવો વર્ણવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વર્ષોથી વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યાં છે. ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓ પશુપાલન સહિતના વ્યવસાય સાથે જોડાયેલી છે.

Exit mobile version