Site icon Revoi.in

દિલ્હીમાં ધરણા ઉપર બેઠેલા રાહુલ ગાંધીનું દાદી સ્વ. ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ

Social Share

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા આજે ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. જેની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય સાંસદોની પોલીસે વિજય ચોક પાસેથી અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ અપનાવ્યું હતું.

તમામ સાંસદ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યાં હતા આ સમયે જ તેમની અટકાયત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમને ધરણા કરવા દેવામાં નથી આવતા, અહીં પોલીસનું રાજ છે અને આ ભારતની સચ્ચાઈ છે, મોદીજી રાજા છે. રાહુલ ગાંધી તથા અન્યને પોલીસ વાહનમાં બેસાડીને લઈ જવાયાં હતા. તેમને ક્યાં લઈ જવાયાં હતા તે જાણી શકાયું નથી.

રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરાયાં બાદ કોંગ્રેસે ટ્વીટર ઉપર એક ફોટો અને કવિતાના અંશ લખ્યાં હતા. ફોટોમાં રાહુલ ગાંધી પોતાની દાદી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની જેમ જ જમીન ઉપર બેઠેલા નજરે પડે છે.

કોંગ્રેસે કેન્દ્ર સરકાર ઉપર તપાસ એજન્સીઓના દૂરઉપયોગનો આરોપ લગાવ્યો હતો. આ મામલે કોંગ્રેસના નેતા આજે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાના હતા. તેઓ દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ઉપર એકત્ર થયા હતા અને અહીં ધરણાં બાદ કૂચ શરૂ કરવાના હતા તે પૂર્વે જ તેમની અટકાયત કરી હતી.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ સાંસદોને વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધીની કુચ રોકવામાં આવી છે. તેમજ બળજબરીથી અટકાયત કરી હતી. હવે અમે પોલીસ બસમાં છીએ, અમને ક્યાં લઈ જવામાં આવ્યાં છે તે માત્ર પીએમ મોદી અને ગૃહમંત્રી જ જાણે છે.