નવી દિલ્હી, 23 માર્ચ 2026: ભારતમાં દુષ્કાળનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેની સૌથી ગંભીર અસર ગંગાના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતમાં જોવા મળી રહી છે. તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ, નબળું ચોમાસું, વધતું તાપમાન અને ભૂગર્ભ જળના અતિશય શોષણને કારણે દેશમાં જળ સંકટ એક નવા અને ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જર્નલ ‘ક્લાઈમેટ ચેન્જ’ માં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ભારતના છ મુખ્ય પ્રદેશો—પશ્ચિમ, મધ્ય, હિમાલય, ગંગાના મેદાનો, દ્વીપકલ્પ અને ઉત્તર-પૂર્વીય ભારતમાં શુષ્કતામાં વધારો નોંધાયો છે. દુષ્કાળ માપવાના સૂચકાંકો દર્શાવે છે કે ગંગાના મેદાનો (-0.47) અને પૂર્વોત્તર ભારત (-0.41) માં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. તેની સરખામણીએ હિમાલય (-0.21) અને મધ્ય ભારત (-0.07) માં અસર થોડી ઓછી છે.
સપ્ટેમ્બર 2025 માં ‘PNAS’ માં પ્રકાશિત અહેવાલ મુજબ, વર્ષ 1991 થી 2020 વચ્ચે ગંગા નદીના બેસિને છેલ્લા 1,300 વર્ષનો સૌથી તીવ્ર દુષ્કાળ સહન કર્યો છે. નિષ્ણાતોના મતે, દિવસ અને રાત બંને સમયે વધતા તાપમાન અને વરસાદના ઘટતા પ્રમાણને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના ‘ગ્લોબલ વોટર બેન્કરપ્સી રિપોર્ટ’ મુજબ, જળ સંકટ હવે માત્ર પર્યાવરણીય સમસ્યા નથી રહી, પરંતુ તે આર્થિક, રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. નિષ્ણાત કાવેહ મદનીના જણાવ્યા અનુસાર, જળ સંસાધનોની અછત ભવિષ્યમાં દેશો અને સમાજો વચ્ચે સંઘર્ષ વધારી શકે છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 85 ટકાથી વધુ પાણીનો ઉપયોગ કૃષિમાં થાય છે, તેથી ઉકેલ પણ અહીં જ શોધવો પડશે. ટપક સિંચાઈ, સૌર પંપ અને ઓછા પાણીમાં થતા પાકો તરફ વળવું જરૂરી છે. માટીમાં ભેજ જાળવી રાખવાની પદ્ધતિઓ અપનાવવી પડશે. ભૂગર્ભ જળના અંધાધૂંધ ખેંચાણને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. ઈઝરાયેલે સી-વોટર ડિસેલિનેશન (દરિયાના પાણીને મીઠું બનાવવું) અને વોટર રિસાઈકલિંગ દ્વારા દુષ્કાળ સામે લડવામાં સફળતા મેળવી છે. તેવી જ રીતે અમેરિકાનું કેલિફોર્નિયા અને ઓસ્ટ્રેલિયા મજબૂત જળ માળખાને કારણે આર્થિક રીતે સ્થિર રહ્યા છે. નિષ્ણાતોના મતે ટેકનોલોજીની સાથે સ્થાનિક જ્ઞાન અને આર્થિક વિવિધતાનો સમન્વય જ આ સંકટમાંથી બચાવી શકશે.

