Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ભાજપ પક્ષની રવિવારે બેઠક મળશે, કોંગ્રેસના આક્રમણ સામે રણનીતિ તૈયાર કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રી મંડળે સત્તા સંભાળ્યા બાદ લોકહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તમામ મંત્રીઓ પ્રથમવાર જ મંત્રી બન્યા છે, બીજીબાજુ સોમવારથી વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યું છે. ત્યારે કોંગ્રસે દ્વારા નવા મંત્રીઓને ભીડવવાના તમામ પ્ર.સો કરાશે. તેની સામે રણનીતિ ઘડવા માટે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક રવિવારે યાજાશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ, વિધાનસભામાં સરકારને ઘેરવા માટે તાજેતરમાં જ  કોંગ્રસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાતમાં નવી બનેલી  ભૂપેન્દ્ર પટેલ સરકારનો પહેલો પડકાર વિધાનસભાનું ચોમાસુ સત્ર છે ત્યારે નવી સરકારના પ્રથમવાર જ બનેલા નવા મંત્રીઓને વહીવટનું જ્ઞાન અને વિપક્ષના આક્રમણ સામે લડી લેવાની કુનેહ શિખવાડવા સોમવારથી દરરોજ એક કલાક નવા મંત્રીઓની વિશેષ પાઠશાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં જે-તે મંત્રીઓને તેમના વિભાગની કામગીરીથી માંડીને યોજનાઓ, નીતિઓ અને નિર્ણયો અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 20 જેટલા મંત્રીઓ એવા છે, જેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે. એટલું જ નહીં, આ મંત્રીઓને કેબિનેટના મંત્રીપદ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક વર્ષ દરમિયાન આ તમામ મંત્રીઓએ પર્ફોર્મન્સ દેખાડવું પડશે. લોકોને સંવેદનશીલ સરકારનો અનુભવ કરાવવો પડશે. પ્રજાનાં કામો ઝડપથી ઉકેલવાં પડશે, પોતાના વિભાગનું સો ટકા પર્ફોર્મન્સ આપવું પડશે એવા નિર્દેશ દિલ્હીથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કોરોનાકાળમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને કેવી રીતે ભીંસમાં લેવી, ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોને થયેલા નુકસાન અને હવે ભારે વરસાદથી થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું જમીન ધોવાણ, ઊભા પાકને નુકસાન, તાઉતે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થયેલા નુકસાન અને બાગાયતી પાકોને થયેલા કરોડોના નુકસાન સામે સરકારની નજીવી સહાય સહિતના મુદ્દા ઉપરાંત મહિલા અત્યાચાર, બેરોજગારી, શિક્ષણક્ષેત્રે પ્રવર્તી રહેલી અંધાધૂંધી, ફી માફીની માગણી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે મુદ્દા પર ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ( file photo)