Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ બનાવી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહ આપનો પ્રચાર કરવા ગુજરાત આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 188 બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યું છે અને પોતાના ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. દરમિયાન 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ, મનિષ સિસોદિયા, ભગવંત માન, સંજયસિંહ, રાઘવ ચડ્ડા, હરભજન સિંહ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા, યુવરાજ જાડેજા, મનોજ સોરથિયા, જગમલ વાળા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બલદાનિયા, રાકેશ હીરાપારા, અજીત લોખિલ, બિજેન્દ્ર કૌર અને અનમોલ ગગન માનનો સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ ગુજરાત વિધાનસભાને લઈને અરવિંદ કેજરિવાલ અને ઈસુદાન ગઢવી દ્વારા હાલ ધામધૂમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, અરવિંદ કેજરિવાલ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી રહ્યાં છે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે. કેજરવાલ ચૂંટણીમાં કોંગ્રેસને ગણતા જ નથી. આ ચૂંટણી આપ અને ભાજપ વચ્ચે ટક્કરનો દાવો કર્યો હતો.