Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગામી મહિને જાહેરાત થવાની શકયતા, બે તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવના

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2022ના અંતમાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા આગામી મહિનામાં ગુજરાત વિધાનસભાની તારીખની જાહેરાત કરે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તેવી શકયતા છે અને ડિસેમ્બરમાં નવી સરકાર રચાય તેવી શકયતા છે. નવેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મતદાન થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગરમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ, રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી. બીજી તરફ મતદાન યાદીની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મતદાર યાદી, મતદાન મથકો, સંવેદનશીલ કેન્દ્રો, સુરક્ષા વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કલેક્ટર અને પોલીસ વડાએ તેમના જિલ્લાની ચૂંટણી તૈયારીઓ પણ રજૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને મનિષ સિસોદિયા સહિતના રાજકીય આગેવાનોના ગુજરાતના પ્રવાસ વધ્યાં છે.