Site icon Revoi.in

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

Social Share

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી ભક્તો ઉમટી પડ્યાં હતા. શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના દર્શન કર્યા હતા. જન્માષ્ટમી પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી હતા.જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડાકોરમાં પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. રાજ્યના મંદિરોમાં રાતના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ તહેવારોને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર સાતમ-આઠમનો લોકમેળો યોજાઈ રહ્યો છે હજારો લોકોએ લોકમેળાનો આનંદ લીધો હતો.