Site icon Revoi.in

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઈ-મેલ દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ-2023ના આવેદનપત્ર મુજબના વિષયો માધ્યમની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવા શિક્ષણ બોર્ડ દ્વારા સુચના આપવામાં આવી  છે. પરીક્ષાર્થીના વિષયો, માધ્યમ કે અન્ય કોઇ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીમાં સંપર્ક કરવા જણાવાયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કુલ 10 ઝોનમાં લોવાશે. ધોરણ 10 અને 12 સાયન્સ અને કોમર્સના કુલ 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લામાં 300 જેટલા બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા લેવાશે. જેમાં સીસીટીવી, બેઠક વ્યવસ્થા, અધિકારીઓ, શિક્ષકોની કામગીરી સહિતની જુદી જુદી બાબતોની સમીક્ષા થઇ ગઈ છે. રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની બાબતોનું લિસ્ટ શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ સુધી ચાલશે. રાજ્યમાં કુલ અંદાજે 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.