Site icon Revoi.in

ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને ક્ષમતાકેન્દ્રી બનાવવા સારસ્વતોએ અહીં સામૂહિક વિચાર મંથન કર્યું હતું

મુખ્યમંત્રીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-૨૦૨૪ના ભાગરૂપે પ્રિસમિટ તરીકે આયોજિત એક દિવસીય કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો જુની શિક્ષણ નીતિમાં નવા જમાનાને અનુરૂપ બદલાવ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, તે ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવા તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. આ નીતિના અસરકારક અમલીકરણ માટે દેશની સમગ્ર એજ્યુકેશન ઈકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આ કોન્ફરન્સ ખૂબ ઉપયોગી બની રહેશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની પ્રક્રિયામાં સહાયક અને નિર્ણાયક બને તેવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ– 2020 વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ઘડવામાં આવી છે. વડાપ્રધાન રાષ્ટ્રવિકાસમાં આદર્શ અને ઉન્નત શિક્ષણના હિમાયતી રહ્યા છે, ત્યારે હોલિસ્ટીક એજ્યુકેશન, મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુચારૂ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છેઆદર્શ શિક્ષણ એ કોઈ પણ દેશ, રાજ્યના વિકાસની પૂર્વશરત છે એમ સ્પષ્ટપણે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં, જ્ઞાન અને કૌશલ્યકેન્દ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે જ વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર સતત ભાર આપ્યો છે

દેશના વિકાસના પાયામાં જેની મહત્વની ભૂમિકા છે એવી યુવાશક્તિને આત્મનિર્ભર બનાવવામાં તેમજ આદર્શ રાષ્ટ્ર નિર્માણ આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે, આજે શિક્ષણની સાથે સ્કીલ ડેવલપમેન્ટ સહિત રોજગારના બદલાયેલા સ્વરૂપ અને વ્યાપાર ક્ષેત્રમાં આવેલ પરિવર્તનમાં નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ ટ્રાન્સફોર્મેશન, આત્મનિર્ભરતા સહિત ડિજિટલ ભારતમાં નવી શિક્ષણનીતિ મહત્વની ભૂમિકા ભજવશે એની ભૂમિકા તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ સમગ્ર દિવસ દરમિયાન વાઈસ ચાન્સેલર્સ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, તજજ્ઞોની ચર્ચા, વિચારમંથનથી જ્ઞાનનું જે અમૃત પ્રાપ્ત થશે, તે ભારત નિર્માણ અને વિદ્યાર્થીઓના ઘડતરમાં ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે ઉપસ્થિત વાઈસ ચાન્સેલર્સ, તજજ્ઞો અને અધિકારીઓ પરસ્પર સાથે મુક્તમને ચર્ચા કરી અને દેશના શિક્ષણને વધુ સમૃદ્ધવૈશ્વિક બનાવવા માટે યોગદાન અને સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી

આ વેળાએ મુખ્યમંત્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રી, અન્ય મંત્રીઓના હસ્તે નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે માર્ગદર્શિકાના રૂપમાં તૈયાર કરાયેલી ‘NEP SoP’ બૂકલેટનું તેમજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી ક્વોલિટી એજ્યુકેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિષય અંતર્ગત શિક્ષણની બેસ્ટ પ્રેક્ટિસમાં ઉપયોગી બે પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું