Site icon Revoi.in

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છેઃ મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય ગણાવ્યું છે. પ્રવાસન વિકાસ નિગમ આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ડેઝર્ટ ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, ધાર્મિક ટુરિઝમ, ઐતિહાસિક સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ તેમજ બિચ ટુરિઝમ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને સાકાર કર્યો છે. બેસ્ટ ટુરિઝમ સ્પોટ તરીકે ઉભરી રહેલા ગુજરાતને હવે ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું. સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન વિકાસ નિગમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડના ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરના તેમણે એવોર્ડ પણ પ્રદાન કર્યા હતા.

મુખ્યમંત્રીએ વધુમાં  જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે  ટુરિઝમ અને ટ્રાવેલ સેક્ટરને વધુ અસર પડી છે પરંતુ આપત્તિને અવસરમાં પલટવાની ખુમારી સાથે ગુજરાતે પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રના વ્યવસાયને ફરી ધમધમતો કરવામાં સફળતા મેળવી છે. પીએમ મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે કચ્છના રણને વર્લ્ડ ટુરિઝમ મેપ ઉપર મૂકવા સાથે ઉત્સવોને પ્રવાસન સાથે જોડી ફેસ્ટિવલ ટુરિઝમનો નવો અભિગમ પણ દેશને દર્શાવ્યો છે. પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, પ્રવાસનના વિકાસ થકી વિશ્વભરના પ્રવાસીઓ ગુજરાત તરફ વધુ આકર્ષિત થાય અને ગુજરાતના પ્રવાસી બને તે માટે રાજ્યના તમામ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા  સરકાર કટિબદ્ધ છે. અવોર્ડ સમારોહમાં રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાણી, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, પ્રવાસન નિગમના એમડી જેનુ દેવાન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે અભિનેતા મિલિન્દ સોમન, જય ભાનુશાલી, લોકગાયક આદિત્ય ગઢવી, ગીતા રબારી તથા પ્રવાસન ક્ષેત્ર અને હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.