Site icon Revoi.in

ગુજરાતઃ ત્રણ વર્ષમાં આશરે 9 લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકાર સતત આગળ વધી રહી છે. 

મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત સરકારે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વિકસિત ગુજરાત 2047નું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી તે દિશામાં કામ શરૂ કરી દીધું છે. આદિજાતિ વિસ્તારોના સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે આ વર્ષના બજેટમાં રૂ. 4374 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરી છે. આદિજાતિ વિસ્તારના પ્રતિભાવાન વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પૂલ યોજના, વિદ્યા સાધના યોજના, દૂધ સંજીવની યોજના, આદર્શ નિવાસી શાળાઓનો વિકાસ, ગણવેશ સહાય તેમજ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી જેવી અનેક વિશેષ પહેલ રાજ્ય સરકારે કરી છે. 

મંત્રી હળપતિએ ઉમેર્યું કે, રાજ્યના બજેટમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ અને સુપોષિત હોય તે માટે બે મહત્વના વિષયો જેવા કે રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તથા મીલેટના વાવેતર અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોના પરિણામે ગત ત્રણ વર્ષમાં રાજ્યના આશરે ૯ લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે અને ૭.૫૬ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો ખ્યાલ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ આપવામાં આવી છે.