Site icon Revoi.in

ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સીલ કરાઈઃ રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન અનેક રાજ્યોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કર્યું છે. ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સરકારે 14 દિવસના લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તેમજ ગુજરાત-રાજસ્થાન સરહદને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પ્રવેશતા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં આજથી તા. 24મી મે સુધી એટલે કે 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના અંબાજી નજીક છાપરી રેકપોસ્ટ ઉપર રાજસ્થાન પોલીસે સતર્કતા વધારી છે.  તેમજ છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ દરમિયાન ગુજરાતની એસ.ટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે. જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ બતાવો ફરજીયાત રહેશે અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં 15 દિવસ કોરોન્ટાઇનમાં રેહવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા દિલ્હી સહિતના રાજ્યોમાં સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.